Get The App

લગ્ન નોંધણી કૌભાંડ: બગસરામાં કોરોનાના ત્રણ વર્ષમાં ગામ રહેતા પરિવાર કરતાં બમણાં લગ્ન રજિસ્ટર થયાં!

Updated: Mar 25th, 2025


Google News
Google News
લગ્ન નોંધણી કૌભાંડ: બગસરામાં કોરોનાના ત્રણ વર્ષમાં ગામ રહેતા પરિવાર કરતાં બમણાં લગ્ન રજિસ્ટર થયાં! 1 - image


Marriage Registration Scam In Bagasara: ઈમિટેશન જ્વેલરી માટે જાણીતા બગસરાના નામે કાળી ટીલી લાગે એવું કૌભાંડ બહાર આવ્યું છે. વર્ષ 2020, 2021 અને 2022ના કોરોનાના કપરાં સમયમાં જ્યારે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ હતાં. જાહેરમાં મેદની એકત્રિત કરવા ઉપર નિયંત્રણ હતા, ત્યારે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ચાર ગામમાં 2950 રજીસ્ટર મેરેજ નોંધાયા છે. આ લગ્નની સંખ્યા ચારેય ગામમાં રહેતા કુલ પરિવારની સંખ્યા કરતા બમણી જેટલી છે અને અહીં ગુજરાતના તમામ 33 જિલ્લાના લોકો ખાસ લગ્નની નોંધણી કરાવવા આવ્યા હતા. 

RTIમાં ચોંકાવનારી માહિતી મળી

રાઈટ ટુ ઈન્ફર્મેશન (RTI) હેઠળ સ્થાનિક વ્યક્તિએ મેળવેલી માહિતી અનુસાર, ત્રણ વર્ષમાં સૌથી વધુ લગ્ન હામાપર ખાતે 1341, જામકામાં 944, મુંજિયાસરમાં 380 અને લૂંધિયામાં 258 લગ્નની નોંધણી થઈ છે. આ ચાર ગામમાં કુલ 1613 પરિવાર વસવાટ કરે છે અને કુલ વસતી 8223 છે. અરજદારે સવાલમાં એવું પણ પૂછ્યું હતું કે આ સમયગાળામાં ગામમાં કોઈ સમુહલગ્નનું આયોજન થયું હતું કે નહીં, એનો જવાબ આપવામાં આવ્યો છે કે આ સમયમાં કોઈ સમુહલગ્ન થયા નથી. આ ગામમાં હોટેલ, ડેસ્ટીનેશન વેડિંગ કે અન્ય વ્યવસ્થા ન હોવા છતાં આટલી મોટી સંખ્યામાં લગ્ન કેવી રીતે નોંધાઈ ગયા તે એક મોટો સવાલ છે. 

આ પણ વાંચો: અમદાવાદના વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકે વાહનોને અડેફેટે લીધા, અકસ્માત બાદ કરી મારામારી


પ્રાથમિક રીતે લાગી રહ્યું છે કે લોકોએ ગામના તલાટી સાથે ગોઠવણ કરી રજીસ્ટર મેરેજ કરી લીધા છે. પાસપોર્ટ, અન્ય કાયદાકીય જરૂરીયાત માટે રજીસ્ટર લગ્ન કરાવવામાં આવતા હોય છે. તલાટી સરળતાથી લગ્ન નોંધણી કરાવી આપતા હોય એવી શક્યતાએ આ ગાળામાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ લગ્ન અહીં થયા હોય એવી શક્યતા નકારી શકાય નહીં. લગ્નની નોંધણી માટે વકીલ, સાક્ષીઓ, ગોરબાપા સહિત અન્ય વ્યવસ્થાની જરૂર પણ પડે છે. 

કોરોનાકાળમાં આ વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવી હશે, સમગ્ર ગુજરાતમાંથી આ ગામમાં લોકો કેવી રીતે પહોંચ્યા હશે એ અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે. અરજદારને શક છે કે ગામના તલાટીઓ દ્વારા વ્યવસ્થિત રીતે જાળ રચી કૌભાંડ આચર્યું હોય એવી શક્યતા છે. તાલુકા કક્ષાએ ફરિયામાં તલાટીઓ સામે કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવતા હવે ફરિયાદ ઈન્સ્પેકટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન, ગાંધીનગર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

લગ્ન નોંધણી કૌભાંડ: બગસરામાં કોરોનાના ત્રણ વર્ષમાં ગામ રહેતા પરિવાર કરતાં બમણાં લગ્ન રજિસ્ટર થયાં! 2 - image

Tags :