સુરતમાં ખાનગી અને પાલિકાના પ્લોટમાં ફાયરની એન.ઓ.સી. વિના ભરાતા બજાર લોકો માટે જોખમી
Surat Corporation : સુરત પાલિકા વિસ્તારમાં પાલિકાના અને ખાનગી પ્લોટ પર ફાયર વિભાગની કોઈ પણ જાતની પરવાનગી વિના કે ફાયરની કોઈ પણ જાતની સુવિધા વિના જોખમી રીતે બજાર ભરાઈ રહ્યાં છે. વિવિધ સ્થળોએ વારના નામે ભરાતા બજારમાં રોજ દસ હજારથી વધુ લોકો ભેગા થાય છે કોઈ પ્રકારની તકેદારી રાખવામાં આવતી નથી જેના કારણે મોટી હોનારત થાય તેવી શક્યતા હોવાથી આવા બજાર તાકીદે બંધ કરાવવા જોઈએ તેવી માંગણી કરી હતી.
સુરત પાલિકાના લિંબાયત ઝોન વિસ્તારમાં કાંગારુ સર્કલ પાસે અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ બજાર ભરાઈ છે અને આ બજારમાં 10 હજાર જેટલા લોકો ભેગા થતા હોય છે. આવા પ્રકારના બજાર માટે મંજુરી કોણ આપી રહ્યું છે. ? આવી જ રીતે શહેરના જુદા-જુદા વિસ્તારમાં ખાનગી કે પાલિકાના પ્લોટમાં વિવિધ વારે બજાર ભરાઈ રહ્યાં છે તેમાં ફાયર સેફ્ટીની કોઈ જાતની તકેદારી રાખવામાં આવતી નથી. અનેક જગ્યાએ પ્લોટમાં ટેમ્પરરી સ્ટ્રકચર બનાવવામા આવ્યા છે અને તેની પણ મંજુરી લેવામા આવતી નથી. આવા સંજોગોમાં આવા જોખમી રીતે ભરાતા બજાર લોકોની સલામતી માટેનો મોટો પ્રશ્ન બની ગયો છે.
આવા બજાર ભરનારા એટલા માથાભારે હોય છે કે તેઓ પાલિકા કે પોલીસને પણ ગાંઠતા નથી. એક જગ્યાએ પાલિકાએ શુક્રવારે ડિમોલિશનની કામગીરી કરી તો રવિવારે ફરીથી બજાર ભરવાનું શર થઈ ગયું છે. આવા જોખમી રીતે ભરાતા બજાર પાલિકાના પ્લોટમાં હોય કે ખાનગી પ્લોટમાં તે તમામ કડકાઈથી બંધ કરાવવા જોઈએ. તેવી માંગણી કરી હતી.
ભાજપના કોર્પોરેટરની રજુઆત બાદ વિપક્ષી કોર્પોરેટર મોનાલી હીરપરાએ પણ જાહેર જગ્યાએ દબાણ કરીને ભરાતા બજાર સામે વિરોધ કર્યો હતો. વિપક્ષના વિપુલ સુહાગીયા, આ બાબતે કમિને પ્રશ્ન લખી જ્યાં બજાર ભરાય છે ત્યાં દબાણની ટીમ મોકલવું વેસ્ટ ઓફ મની છે માર્શલ મુકી દબાણ કાયમી દુર કરો. કાર્યવાહી થતી નથી તેવું કહ્યું હતું.