ભારતીય જ્ઞાન પરંપરામાં વિજ્ઞાન અને ટેકનોલોજીનાં અનેક રહસ્યો છુપાયા છે
પ્રાચીન દેવભાષા સંસ્કૃતને ઉજાગર કરવા સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા MOU : સંસ્કૃતમાં સંશોધન અર્થે વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સંશોધકોનું સોમનાથ સંસ્કૃત યુનિ. સાથે આદાન-પ્રદાન થશે: પ્રાચીન ગ્રંથોનાં અનુવાદ કાર્યને પ્રાથમિકતા અપાશે
રાજકોટ, : ભારતીય જ્ઞાન પરંપરાનો અદભૂત વારસો સંસ્કૃત ભાષામાં સમવાયો છે. દેવભાષા ગણાતી સંસ્કૃતમાં છુપાયેલા વિજ્ઞાાન અને ટેકનોલોજીનાં અનેક રહસ્યોને ઉજાગર કરવાની ક્ષમતા છે. આ ઉજ્જવળ ભારતીય જ્ઞાાન પરંપરાથી વિદ્યાર્થીઓ પરિચિત થાય તે માટે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે આજે સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પાંચ વર્ષનાં એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. જેમાં સંસ્કૃત ભાષા સાહિત્યથી માંડીને સંસ્કૃતમાં રચિત ગ્રંથોનાં અનુવાદ-સંશોધન અને સંપાદનનું કામ હાથ ધરવામાં આવશે.
રાજકોટમાં આજરોજ સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ ખાતે સોમનાથ સૌરાષ્ટ્ર યુનિ.નાં કુલપતિ પ્રો. સુકાન્તકુમાર સેનાપતિની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં ભારતીય જ્ઞાન પરંપરા ઉપર જે ભાર મુકવામાં આવ્યો છે તેનાં આધારિત એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. જેમાં સ્ટુડન્ટ અને સ્ટાફ એક્સચેંજ, લેકચર સીરીઝ, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્ટડીઝ, રીસર્ચ, જોઇન્ટ પબ્લીકેશન, સેમિનાર, પ્રોજેક્ટ અને એકેડેમીક મીટીંગ સહિતની બાબતોને સાંકળીને વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમો હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તજજ્ઞાોએ જણાવ્યું હતું કે વિશ્વને ઘણા ઉપયોગી થાય તેવા સંશોધનો સંસ્કૃત ભાષામાં લખાયા છે. આ સંસ્કૃતના સંશોધનોનું ભારતની પ્રાદેશિક ભાષામાં તથા વિશ્વની અનેક ભાષાઓમાં ભાષાંતર થાય તો વિશ્વને ખુબ લાભ થશે. સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસમાં બે લાખથી વધુ પુસ્તકોની લાયબ્રેરી છે. સમૃદ્ધ સંસ્કૃત મહાગ્રંથો તેમજ મહાશોધ નિબંધોનાં ભંડાર સચવાયા છે. આ તમામ સંસ્કૃત સાહિત્ય બન્ને યુનિ.નાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સંશોધકો માટે ઉપયોગી થશે. પાંચ વર્ષ માટે હાથ ધરવામાં આવેલા આ ઉપયોગી પ્રોજેક્ટને લીધે સંસ્કૃતનાં વિદ્યાર્થીઓને સંશોધનની દિશામાં કામ કરવા નવી તક મળશે.
સોમનાથ સંસ્કૃત યુનિ. દ્વારા પાંડુલિપિ વિશે જુન માસમાં યોજાશે રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર
ભારતીય જ્ઞાાન પરંપરામાં અનેક પ્રાચીન ભાષાઓનો સમાવેશ થાય છે જેમાં એકલિપિ છે પાંડુલિપિ. આ પાંડુલિપિનાં અભ્યાસ માટે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટિ દ્વારા આગામી જુન 2029માં રાષ્ટ્રીય કક્ષાના ઓનલાઇન-ઓફલાઇન સેમિનાર હાથ ધરવામાં આવશે. પાંડુલિપિમાં લખાયેલા ધર્મગ્રંથો, પાંડુલિપિમાં રચિત કથા સાહિત્ય સહિતની બાબતો 7 દિવસનાં સેમિનારમાં તજજ્ઞાો દ્વારા રજુ કરવામાં આવશે. પાંડુલિપિને વિદ્યાર્થીઓ અભ્યાસનાં ભાગ સ્વરૂપે સ્વીકારે તેમજ તેની વિશિષ્ટ ઓલખ પ્રસ્થાપિત થાય તે માટેનાં પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેમ સોમનાથ સંસ્કૃત યુનિ.નાં કુલપતિએ જણાવ્યું હતું.