રાજકોટમાં બે ગઠિયાં ઉમરાહના બહાને 19 લોકોને છેતરી ગયા, લાખોનું ફલેકું ફેરવી દુકાનને તાળું મારી રફૂચક્કર
Fraud Rajkot pilgrims : રાજકોટના ભગવતીપરામાં આવેલી રઝવી ટુર એન્ડ ટ્રાવેલ્સનાં સંચાલકોએ હજ અને ઉમરાહની ધાર્મિક યાત્રામાં લઈ જવાનાં બહાને 19 યાત્રાળુઓ સાથે રૂ. 14.06 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. ભોગ બનનાર યાત્રાળુઓમાં મોટાભાગનાં સૌરાષ્ટ્રના છે. પોલીસે અફઝલ રૂમી, ફિરોઝ જાફાઈ અને બંનેને ત્યાં એજન્ટ તરીકે કામ કરતી બિસ્મીલ્લાબેન સામે ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.
બેડીપરા ફાયર સ્ટેશન સામે રહેતા અને ઈવેન્ટ ડેકોરેશનનું કામ કરતાં સમીર મુલતાની (ઉ.વ.28) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, એકાદ વર્ષ પહેલા તેને અને પત્નીને પોતાનાં વૃદ્ધ થઈ ગયેલા માતા પિતાને હજ અને ઉમરાહની ધાર્મિક યાત્રાએ મોકલવાનો વિચાર આવ્યો હતો. જેથી ભગવતીપરામાં આવેલી રઝવી ટુર એન્ડ ટ્રાવેલ્સનાં આરોપી સંચાલકો અફઝલ, ફિરોઝ અને એજન્ટ બિસ્મીલ્લાબેનનો ઓફિસ ખાતે સંપર્ક કર્યો હતો.
તે વખતે આરોપીઓએ સાઉદી અરબ જવા માટેની ટિકિટ, પાસપોર્ટ અને ત્યાં રહેવા જમવા બાબતેનું પેકેજ સમજાવ્યું હતું. એક વ્યક્તિદીઠ અલગ અલગ તારીખો માટે રૂ. 61 હજારની લઈ રૂ. 75 હજાર સુધીનો ખર્ચ થશે તેમ પણ જણાવ્યું હતું.
આ સાથે જ કહ્યું કે, ઉમરાહ માટે વહેલી ટિકિટ બુક કરાવશો તો ઓછો ખર્ચ થશે. આખરે તેણે પોતાનાં માતા પિતા, તેના અને પત્ની, એક પુત્ર અને મોટાભાઈ રિયાઝની પુત્રી એમ કુલ છ જણાંની ટિકિટ બુક કરાવવાનું નક્કી કર્યું હતું. ત્યાર પછી કટકે કટકે રૂ. 30,000, રૂ. 7500, રૂ 40 હજાર રૂ 1 લાખ, રૂ 1 લાખ, રૂ. 25 હજાર જમા કરાવ્યા હતાં.
ત્યારબાદ તેનાં મોટાભાઈ રીયાઝ અને તેનાં પત્ની રોશનબેનની પણ ઉમરાહની ટિકિટ કરાવવાનું નક્કી કરી વધુ રૂ. 1.45 લાખ આપ્યા હતા. જેનાં બદલામાં આરોપીઓએ પહોંચ આપી હતી.
એટલું નહીં અલગ અલગ તારીખે રૂ. 1.19 લાખ પણ રોકડા આપ્યા હતાં. આ જ રીતે તેનાં પરિવાર સિવાયનાં રફીકભાઈ રહેમાન, તોફીક શાહમદાર, આઝમ મન્સુરી, અબ્દુભાઈ, ફુરકાનભાઈ બોરડીવાલાએ પણ જુદી જુદી રકમ મળી કુલ 19 જણાંની યાત્રાનાં રૂ 14.06 લાખ આરોપીઓને ચુકવ્યા હતાં. તે વખતે આરોપીઓએ ખાત્રી આપી હતી કે, તમને 19 જણાંને ઉમરાહ કરાવી પરત લઈ આવશે. સાથોસાથ પેકેજ અમદાવાદથી અમદાવાદનું રહેશે તેમ પણ કહ્યું હતું.
તમામ 19 જાત્રાળુઓને આરોપીઓએ ગઈ તા.4 જાન્યુઆરીનાં રોજ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી જવાનું કહ્યું હતું. જયાં પોતાની ટીમ હાજર હશે તેમ પણ કહ્યું હતું. નક્કી થયા મુજબ તે અને તેનાં પરિવારનાં સભ્યો ગઈ તા.4નાં રોજ સાંજે જ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી ગયા હતાં. જયાંથી તેણે આરોપીઓ ફિરોઝ અને અફઝલને કોલ કરતાં બંનેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ મળ્યો હતો. એક માસ પહેલા તેણે પરિવારાં તમામ સભ્યોનાં અસલ પાસપોર્ટ આરોપીઓની ભગવતીપરા ખાતેની ઓફિસે જમા કરાવ્યા હતાં.
અમદાવાદ એરપોર્ટ પર ટર્મિનલ-2 પર પહોંચતાં જ ટુરમાં આવેલા તમામ જાત્રાળુઓનો ખ્યાલ આવી ગયો હતો કે તેમની સાથે ફ્રોડ થયો છે. આ સ્થિતિમાં અસલ પાસપોર્ટ બાબતે તપાસ કરતા અન્ય યાત્રાળુઓ પાસેથી જાણવા મળ્યું કે, બગોદરા હાઈવે પર ઈનોવા કાર પાર્ક થયેલી છે. જેમાં બેઠેલા બિસ્મીલ્લાબેન પાસે તમામ યાત્રાળુઓનાં પાસપોર્ટ છે. જેથી તેની પાસે જઈ પાસપોર્ટ મેળવી લીધા હતાં.
તે વખતે બિસ્મીલ્લાબેને કહ્યું કે, તમારા બધાના પાસપોર્ટ જ મારી પાસે છે, ફલાઈટની ટિકિટો અફઝલ અને ફિરોઝ પાસે છે, બંને હાલ કયાં છે તેની મને ખબર નથી, બંનેનાં ફોન પણ બંધ આવે છે, બંનેએ તેની પાસે 60 જાત્રાળુઓનું બુકીંગ કરાવ્યું હતું. જેના પૈસા પણ ઓળવી ગયા છે તેમ પણ જણાવ્યું હતું. આખરે તમામ જાત્રાળુઓ પોત પોતાનાં ઘરે જતાં રહ્યા બાદ બી.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદી સમીરભાઈએ જણાવ્યું કે, ભોગ બનનાર જાત્રાળુઓ રાજકોટ, જેતપુર, મોરબી, ટંકારા, વાંકાનેર અને ગોંડલનાં છે. જે દિવસે તેનો પરિવાર અમદાવાદ પહોંચ્યો હતો ત્યારે ત્રણ ગ્રુપના અંદાજે 217 યાત્રાળુઓને અલગ અલગ ફલાઈટનાં શેડયુલ જણાવી અમદાવાદ બોલાવાયા હતાં. આરોપીઓ સામે બીજી જગ્યાએ પણ ફરિયાદ નોંધાઈ છે અને આરોપીઓએ આ રીતે અનેક યાત્રાળુઓ સાથે લાખોની ઠગાઈ કરી છે તેવો આક્ષેપ પણ કર્યો હતો.