રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 30 લોકોની તબિયત લથડી, જસદણમાં પ્રસાદથી 400 લોકોને ફૂડ પોઈઝનિંગ
Food Poisoning : ઉનાળામાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના સુરેન્દ્રનગર અને જસદણમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. જેમાં સુરેન્દ્રનગરમાં બાળકો સહિત 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. તો જસદણમાં 400 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે.
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રોજાસર ગામે ગઈકાલે લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જે પ્રસંગમાં જમણવારમાં જમ્યા બાદ બાળકો અને મહિલાઓ સહિત 30 જેટલા લોકોની તબિયત લથડી હતી. જેના પગલે બાળકોને તાત્કાલિક સારવાર માટે લીંબડીના રાણાગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. જ્યાં બાળકોની સારવાર શરૂ કરાઈ હતી. જો કે આ ઘટના બન્યા બાદ ડૉકટર અને નર્સિંગ સ્ટાફની ટીમને સ્ટેન્ડબાય રખાઈ હતી. હાલમાં તમામ બાળકોની તબિયત સ્વસ્થ હોવાની વિગત મળી રહી છે. મોડીસાંજે મળતી માહિતી મુજબ, સારવાર હેઠળ રહેલ તમામ લોકોની તબીયતમાં સુધારો જોવા મળ્યો હતો. લગ્ન પ્રસંગમાં કોઈ ખાદ્ય ચીજવસ્તુ આરોગવાથી ફુડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે જે મામલે આરોગ્ય વિભાગની ટીમને પણ જાણ કરતા આગળની તપાસ હાથધરી હતી.
જસદણમાં માતાજીના માંડવાના પ્રસાદથી 400 લોકોને ફૂડ પોઈઝનિંગ થતાં હડકંપ!
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગોખલાણા ગામે માતાજીના માંડવાનું આયોજન કરાયું હતું. જેમાં એક હજારથી વધુ લોકો ઉમટ્યા હતા. અહીં પ્રસાદ લીધા બાદ એકસાથે 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થતા હડકંપ મચ્યો હતો. તેમાં પાંચથી 10 વર્ષના બાળકો પણ સામેલ હતા. આ ઘટનાના પગલે ફૂડ વિભાગે પ્રસાદમાં બનેલી રસોઈના સેમ્પલ લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.