સવાસર નાકાને બાયપાસ કરી એસ.ટી. બસો દોડાવતાં અનેક મુસાફરો રઝળ્યાં
અંજારમાં બે વર્ષથી કામ પુરૂં થયું છતાં એસ.ટી. તંત્રનું રિવર્સ ગિયર
પાલિકાની સૂચનાથી રૂટ બદલ્યો હતો, કામ પૂર્ણ થયું તો પણ અનેક બસો હજુ બાયપાસઃ પાલિકાના નેતાનો એસ.ટી. અધિકારીને પત્ર
આ અંગે અંજાર નગરપાલિકાના શાસકપક્ષના નેતા નિલેશગિરિ ગોસ્વામીએ એસ.ટી. વિભાગના વિભાગીય નિયામકને પત્ર પાઠવીને જણાવ્યુ હતું કે સવાસર નાકા થઈને જ એસ.ટી.ની બસો પસાર થાય અને ત્યાં સ્ટોપ કરે તેવી રજૂઆત બેથી ત્રણ વખત કરી છે. તા. ૧૫-૪-૨૩ના રોજ ભુજ વિભાગના નિયામક દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે હવેથી અંજાર આવતી દરેક એસ ટી બસોએ સવાસર નાકા થઈને જવાનું રહેશે. પરંતુ આ પરિપત્રનો અમલ થતો નથી. સવાસર નાકાથી ગંગાનાકા તરફ રોડ પર ચાલતા કામને પૂરું થઈ ગયાને બે વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં ઘણી બધી બસો આજની તારીખે સવાસર નાકે જતી નથી. વર્ષોથી દરેક એસ.ટી.ની બસો સવાસર નાકા પરથી પસાર થઈ ત્યાં સ્ટોપ પર ઉભી રહી પ્રવાસીઓને લેવા-ઉતારવાની સુવિધા આપતી હતી.
સવાસર નાકા ઉપરાંત તેની આસપાસના વિસ્તારોના અનેક લોકો આ સુવિધાનો લાભ લેતા હતા. હાલે આ સુવિધાના લાભથી શહેરીજનો વંચિત રહેતા હોઈ અને તેમને હાલાકીનો ભોગ બનવું પડતું હોવાથી નિલેશગિરિ દ્વારા બે વખત લેખિત અને એક વખત ટેલીફોનીક જાણ કરવા છતાં એસ ટી વિભાગના ડ્રાઈવરો આ પરિપત્રને ઘોળીને પી જાય ગયા હતા અને હજુ સુધી રુટ મુજબ બસ ચલાવતા નથી. જેથી હવે ભુજ તરફથી આવતી બસો અને ભુજ તરફ જતી બસો જો સવાસર નાકા રુટ પર નહીં જાય તો ન છૂટકે પોલીસ તંત્રને સાથે રાખીને એસ ટી ના ડ્રાઇવર પર રૂટ ફેર બદલનો કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.