મોરબીમાં સામાકાંઠે ત્રાજપર ચોકડી સુધી નડતરરૃપ અનેક દબાણો હટાવાયા
મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ ડિમોલિશન યથાવત
મહારાણા પ્રતાપ સર્કલથી દબાણ હટાવ ઝુંબેશ શરૃ કરીને પોલીસ બંદોબસ્ત સાથે લારી, ગલ્લા, પતરા, શેડ, ઓટલા વગેરે દૂર કરાતા રાહદારીઓને રાહત
મોરબી મનપા કમિશ્નરના માર્ગદર્શન હેઠળ આજે સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધીના વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મનપાની દબાણ હટાવો ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે. રોડ સાઈડમાં આવેલ લારી ગલ્લા અને પતરા સહિતના દબાણો દૂર કરી રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. શહેરના મુખ્ય ૨૮ કિલોમીટર રસ્તાઓ પરના તમામ દબાણો દુર કરવામાં આવશે તેમ કમિશ્નર ખરેએ જણાવ્યું હતું તેમજ દબાણ હટાવવા પૂર્વે જાણ કરવામાં આવી રહી છે. જેથી નાગિરકો સ્વેચ્છાએ પોતાના દબાણો હટાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
નોંધનીય છે કે, મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યાથી છુટકારો મેળવવા માટે મહાપાલિકા તંત્ર દબાણો હટાવવાની કામગીરી કરી રહી છે. જેમાં અગાઉ શનાળા રોડ પરના દબાણો દૂર કર્યા બાદ વાવડી રોડ પર કામગીરી શરુ કરવામાં આવી હતી. વાવડી રોડના પ્રારંભે કપિલા હનુમાનથી બાયપાસ સુધી દબાણો હટાવવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે રાખી શરુ કરીને જેસીબી દ્વારા નડતરરૃપ ઓટલા, છાપરા અને બોર્ડ હટાવવામાં આવ્યા હતા. દબાણ હટાવો કામગીરીથી નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે અને આવી કામગીરી સતત થવી જોઈએ તેવી વાતો પણ લોકમુખે ચર્ચાય રહી છે.