Get The App

નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં વડોદરાના માનુષે કારકિર્દીનું પ્રથમ મેન્સ ટાઇટલ જીત્યું

Updated: Jan 22nd, 2023


Google NewsGoogle News
નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં વડોદરાના માનુષે કારકિર્દીનું પ્રથમ મેન્સ ટાઇટલ જીત્યું 1 - image


- વિમેન્સ સિંગલ્સની ફાઇનલ રેલવેની મૌમિતા દત્તાએ જીતી : પ્રથમ વખત મેન્સ અને વિમેન્સ માં એક સરખી પ્રાઈઝ મની અપાઈ 

વડોદરા, તા. 22 જાન્યુઆરી 2023, રવિવાર 

સમા ઇન્ડોર કોમ્પલેક્સ ખાતે યોજાયેલી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સ્થાનિક ખેલાડી અને ભારતના ચોથા ક્રમના માનુષ શાહે વડોદરાના રમતપ્રેમીઓને ગૌરવવંતી ક્ષણની ભેટ આપતાં શનિવારે મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતું. ફાઇનલમાં તેણે સુધાંશુ ગ્રોવરને 4-2થી હરાવીને કારકિર્દીનું પ્રથમ મેન્સ ટાઇટલ જીત્યું હતું. 

સુધાંશુએ ક્વાર્ટર ફાઇનલમાં પીએસપીબીના હરમિત દેસાઈને  તથા સેમિફાઇનલમાં માનવ ઠક્કરને હરાવીને અપસેટ સર્જ્યો હતો. તે સળંગ ત્રીજી મેચમાં અન્ય એક ગુજરાતીને હરાવવાના માર્ગે હતો કેમ કે તેણે આસાનીથી પહેલી ગેમ જીતી લીધી હતી. જોકે માનુષે વળતી લડત આપીને આગામી બે ગેમ જીતી ટાઇટલ તરફ આગેકૂચ કરી હતી. 

પરંતુ, સુધાંશુ જરાય મચક આપવાની સ્થિતિમાં ન હતો અને તેણે ચોથી ગેમ જીતીને મેચને રસપ્રદ બનાવી દીધી હતી. જોકે વડોદરાના ડાબોડી ખેલાડીને સ્થાનિક પ્રેક્ષકોનો સપોર્ટ હતો. તેણે ફાઈનલ મુકાબલો જીતીને રૂ. 77, 000 ની ઇનામી રકમ પણ પ્રાપ્ત કરી હતી.

વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં રેલવેની મૌમિતા દત્તાએ પીએસપીબીની અર્ચના કામથને 4-1થી હરાવી હતી. તેણે પણ કારકિર્દીમાં પહેલી વાર નેશનલ ટાઇટલ જીત્યું હતું.મૌમિતા દત્તા ને પણ રૂ. 77,000 ની ઈનામી રકમ આપવામાં આવી હતી. 

ગુજરાતનો ખેલાડી અને હાલમાં પીએસપીબીનું પ્રતિનિધિત્વ કરી રહેલા માનવ ઠક્કરે તેની જોડીદાર અર્ચના સાથે મળીને રાજ મોંડલ અને અહીકા મુખરજી (બંને આરબીઆઇ)ની જોડીને 3-1થી હરાવીને મિક્સ ડબલ્સ ટાઇટલ જીત્યું હતું.


Google NewsGoogle News