અલથાણ-પાંડેસરા રોડ ઉપરથી કારખાનેદાર 13 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયો
- પોતે નશાનો બંધાણી હોવા ઉપરાંત વેચતો હોવાની કબૂલાત, ડ્રગ્સ અને કાર સહિત રૂ. 5.47 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો
- ડ્રગ્સ સપ્લાય કરનાર એવા મર્ડરનો આરોપી વોન્ટેડ
સુરત
અલથાણ-પાંડેસરા રોડ સ્થિત સ્કેવર વન કોમ્પ્લેક્ષ પાસેથી ગત મોડી રાતે કારમાં પસાર થઇ રહેલા કારખાનેદારને ઝડપી પાડી તેની પાસેથી 13 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂ. 1.30 લાખનો જથ્થો ઝડપી પાડી કુલ રૂ. 5.47 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. જયારે ડ્રગ્સ સપ્લાય કરનાર ભાઠેનાના રહેવાસી એવા મર્ડર કેસના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.
એલસીબી ઝોન 4 ના એએસઆઇ રોહિત બ્રહ્મભટ્ટને મળેલી બાતમીના આધારે ગત મોડી રાતે પોલીસ ટીમે અલથાણ સ્થિત ધીરજ સન્સ ચાર રસ્તાથી પાંડેસરા જવાના રોડ ઉપર સ્કેવર વન કોમ્પ્લેક્ષ પાસેથી કાર નં. જીજે-5 આરપી-4542 માં જઇ રહેલા લેસનું કારખાનું ચલાવતા ધર્મ સંજય વાનાવાલા (ઉ.વ. 29 રહે. સાંઇ મોહન રો હાઉસ, વડોદ, પાંડેસરા) ને અટકાવી કાર અને તેની તલાશી લીધી હતી. જે અંતર્ગત ધર્મના પેન્ટના ખિસ્સામાંથી 13 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂ. 1.30 લાખ, રોકડા રૂ. 2300 અને એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. પોલીસે ડ્રગ્સ, ફોન, રોકડ અને કાર મળી કુલ રૂ. 5.47 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ધર્મ વાનાવાલની હાથ ધરેલી પૂછપરછમાં પોતે લેસનું કારખાનું ચલાવે છે અને ડ્રગ્સનો બંધાણી હોવાની સાથે ભાઠેનાના પંચશીલ નગર વિસ્તારમાં રહેતા જમીલ ઉર્ફે જંગલી પાસેથી ખરીદી પોતાની લત સંતોષવાની સાથે વેચાણ પણ કરતો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે જમીલ ઉર્ફે જંગલીને વોન્ટેડ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ધર્મ અગાઉ મારામારીના ગુનામાં ખટોદરા પોલીસના હાથે પકડાય ચુકયો છે. જયારે જમીલ ઉર્ફે જંગલી મર્ડર કેસનો આરોપી છે અને 8 વર્ષ જેલવાસ ભોગવી ચુકયો છે. જે અંતર્ગત પેરોલ જમ્પ પણ કર્યો હતો.