બોગસ મિનિટ્સ બુકના ગુનામાં મનસુખ સાગઠિયાની ધરપકડ
TRP ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ બનાવાયેલ ઈમ્પેક્ટ અંગેનું બોગસ રેકર્ડ ઊભા કરવાનો આઈડિયા તત્કાલીન એટીપી ગૌતમ જોશીનો હોવાનો સીટની તપાસમાં ખુલાસો
રાજકોટ, : રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડનાં આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયાની સીટે બોગસ મીનીટસ બુક બનાવવાના ગુનામાં આજે જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી હતી. આવતીકાલે તેને સીટ રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરશે. અગ્નિકાંડ બાદ સાગઠીયાની આ બીજા ગુનામાં ધરપકડ થઈ છે. હજૂ તેની સામે અપ્રમાણસર મિલ્કતો અંગે એસીબી તપાસ કરી રહી છે.
અગ્નિકાંડ બાદ સાગઠીયાએ પોતાના બચાવમાં પોતાના અધ્યક્ષસ્થાને યોજાયેલી વિવિધ મીટીંગોની મીનીટસ બુક પુરાવા તરીકે સીટ સમક્ષ રજૂ કરી હતી. જેમાં અલગ-અલગ તારીખે યોજાયેલી મીટીંગની નોંધ હતી. તેમાં એટીપી ઉપરાંત સર્વેયર અને અન્ય કર્મચારીઓની સહીઓ હતી.
જોકે સીટને શંકા જતા તપાસ કરતાં આ મીનીટસ બુક બોગસ હોવાનું અને એક સાથે લખાયાનું જાણવા મળતાં સાગઠીયા સામે બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા સહિતની કલમો હેઠળ અલગથી ગુનો દાખલ કર્યો હતો.
ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોને નોટીસ ફટકાર્યા બાદ પોતે તે સંદર્ભે કેટલી કામગીરી કરી હતી તેના નકલી દસ્તાવેજી પુરાવાઓ સાગઠીયાએ પોતાના બચાવમાં બોગસ મીનીટસ બુક તરીકે ઉભા કર્યા હતા. પરંતુ આખરે તેનો ભાંડો ફૂટી ગયો હતો. બોગસ મીનીટસ બુકમાં સહી કરવા માટે સાગઠીયાએ ટીપી શાખાના અનેક કર્મચારીઓને ધમકાવ્યા પણ હતા. જેમની પણ સીટે પૂછપરછ કરી પુરાવા મેળવ્યા હતા.
અગ્નિકાંડના કેસમાં સાગઠીયાને રિમાન્ડના અંતે જેલ હવાલે કરાયા બાદ આજે સીટે જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી બોગસ મીનીટસ બુક સંદર્ભે પુછપરછ શરૂ કરી છે.
બીજી તરફ અગ્નિકાંડના પગલે પોતાને બચાવવા માટે ટીપી શાખાના અધિકારીઓએ ખોટુ રેકર્ડ ઉભુ કર્યાના ગુનામાં હાલ રિમાન્ડ પર રહેલા તત્કાલીન એટીપી રાજેશ મકવાણા અને આસિસ્ટન્ટ એન્જીનીયર જયદિપ ચૌધરીએ પોતાનો ગુનો કબુલી લીધાનું સીટના સૂત્રોએ જણાવ્યું હતું.
વાસ્તવમાં ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોએ જે ઈમ્પેકટ ફી પ્લાન રજૂ કર્યો હતો તે જ મૂળ ગેરકાયદે હતો. આમ છતાં અગ્નિકાંડ બાદ પોતાને બચાવવા માટે સાગઠીયા સહિતના આરોપીઓએ જૂની તારીખમાં આ પ્લાન ઈન્વર્ડ કરી દસ્તાવેજો સાથે ચેડાં કર્યા હતા. આ આખો આઈડીયા અગાઉ સાગઠીયા સાથે જ ધરપકડ કરાયેલા એટીપી ગૌતમ જોશીનો હોવાનું પણ સીટની તપાસમાં ખુલ્યું છે.