Get The App

માણસાના ઓટો કન્સલ્ટન્ટનું અપહરણ, હત્યાનો પ્રયાસ

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
માણસાના ઓટો કન્સલ્ટન્ટનું અપહરણ, હત્યાનો પ્રયાસ 1 - image


ચાર લાખની લેતી દેતીમાં દસ શખ્સોએ ધમકી આપ્યા બાદ કારમાં અપહરણ કરી ઢોર મારી અધમુવો કર્યો

માણસા :  માણસાનાં ઓટો કન્સલ્ટન્ટનું ચાર લાખની લેતીદેતીમાં દસેક જેટલા શખ્સોેએ ગેરકાયદેસર મંડળી રચી ઘાતક હથિયારો વડે કારમાં અપહરણ કર્યું હતું. બાદમાં ગળું દબાવી હત્યાનો પ્રયાસ પણ કરવામાં આવતાં માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માણસાનાં ગાયત્રી મંદીર નજીક મારૃતિ પેલેસ મકાન નંબર - ૫ મા રહેતો ૨૮ વર્ષીય વિશાલ મહેન્દ્રભાઈ પટેલ મારૃતિ નંદન ઓટોકન્સલ્ટ નામની દુકાન ચલાવે છે. આજથી આશરે છ માસ પહેલા વિશાલે તેના મિત્ર યતિન જગદીશભાઈ પટેલ (હાલ રહે, નાના ચિલોડા મુળ રહે, વસઈડાભલા) ને રૃ. ૪ લાખ હાથ ઉછીના આપ્યા હતા. જે પૈસા ઘણા વખતથી યતિન પાછા આપતો ન હતો. જેનાં લીધે છેલ્લા કેટલાક દિવસોથી ફોન ઉપર બંને વચ્ચે ગાળાગાળી થતી હતી. ગત તા. ૧૮ ડિસેમ્બરનાં રોજ યતિને પૈસા બાબતે ફોન કરીને કહેલ કે, તારા પૈસા પાછા નહી મળે જે થાય તે કરી લે. જેથી વિશાલે તેની સાથે ઉંચા અવાજે વાત કરતા તેણે ફોન કટ કરી દીધો હતો.બાદમાં વિશાલ તેના મિત્ર લક્ષ્મણસિંહ સોલંકી સાથે કામ અર્થે શિવાય ઓટો હબ ધોળાકુવા ખાતે ગયો હતો. દરમિયાન રાત્રીના આશરે દસેક વાગ્યાના અરસામાં યતિને ફોન કરીને વિશાલને માણસા ગાંધીનગર હાઈવે એચ.પી.પેટ્રોલ પંપ સામેના પાર્લર ખાતે મળવા બોલાવ્યો હતો. જેથી બંને મિત્રો તેને મળવા માટે ગયા હતા. જ્યાં યતિન સહિત આઠ દસ શખ્સો કાર તથા સ્કાર્ર્પીઓે લઈને ઉભા હતા. બાદમાં બધા વિશાલ ઉપર ધોકા વડે હુમલો કરી ફેટ તથા માથાના વાળ પકડી આડેધડ મારવા માંડયા હતા.યતિનના કહેવાથી બધાએ વિશાલને ઉંચો કરીને ગાડીમાં નાખ્યો હતો. જેની આજુબાજુમાં બે શખ્સો બેસી ગયા હતા અને વિશાલનું અપહરણ કરી ગાંધીનગર તરફ આવ્યાં હતા. દરમિયાન યતિન ડ્રાઈવ કરતો હતો અને પાછળ બેસેલા શખ્સોેએ વિશાલને માર મારી ગળું દબાવ્યું હતું અને કહેવા લાગેલા કે, પૈસાની હવેથી ઉઘરાણી કરતો નહીં. જેમણે વિશાલનો ફોન પણ લઈ લીધો હતો. ગાડીમાં શખ્સોે અંદરો અંદર વાતચીત કરતાં હોવાથી વિશાલને એક શખ્સોનું નામ ભૂરો ભરવાડ હોવાનું જાણવા મળ્યું હતું. બધા વિશાલનું અપહરણ કરીને ઈન્ફોસિટી આવી પહોંચ્યા હતા. અહીં વિશાલને નીચે ઉતારી ફરી વખત પણ મારમાર્યો હતો.આ દરમિયાન ભૂરા ભરવાડ પર ફોન આવેલો કે, આ બાબતે પોલીસમાં ફરિયાદ થઈ છે અને પોલીસ બધાને શોધી રહી છે. જેથી ગભરાઈને વિશાલને છોડી મૂકી મોબાઈલ પાછો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બધા નાસી ગયા હતા.

બાદમાં તે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પણ ગયો હતો. જો કે પત્ની વીણાબેને ફરિયાદ નહી આપવા તેમજ સમાધાન કરી ઘરે આવી જવા વિનંતી કરતા વિશાલે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ બીજા દિવસે માલુમ પડયું હતું કે, યતિનના મિત્ર ધુ્રવેશ પટેલે (રહે, મોતીપુરા, ટીંટોદણ) વીણાબેનને ફોન કરી ધમકી આપેલ કે, તારો પતિ પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવવા બેઠો છે તેને ફરિયાદ આપવાની ના પાડી દે અને સમાધાન કરી લેવાનું અને ઘરે પાછો બોલાવી લે નહીતર ભવિષ્યમાં તમો બધાને હેરાન પરેશાન કરીશું. જે કંઇ બન્યુ તેના કરતા પણ મોટી બબાલ થશે અને કોઈને જીવતા છોડશુ નહી તેવી ધમકીઓ આપી હતી. જેનાં લીધે વીણાબેને વિશાલને ફરિયાદ કરતા રોક્યો હતો. આ મામલે વિશાલની ફરીયાદના આધારે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News