ગુજરાતના વિશ્વ વિખ્યાત સિતારવાદક મંજુ મહેતાનું નિધન, સપ્તકના સ્થાપક સભ્યો પૈકીના એક હતા
Sitar Artist Manju Maheta Passes Away: દુનિયાભરમાં જાણીતા સિતારવાદક મંજુ નંદન મહેતાનું 20 ઑગસ્ટે 79 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ પંડિત રવિશંકરના શિષ્ય હતા. તેમનો જન્મ જયપુરના સંગીતપ્રેમી પરિવારમાં 21 મે, 1945ના રોજ થયો હતો. તેમના માતા ચંદ્રકલા ભટ્ટ અને પિતા મનમોહન ભટ્ટ પણ સંગીતના ઉપાસક હતા. આ પરિવારે અનેક લોકોને ભારતીય સંગીત શીખવ્યું હતું. મંજુ મહેતાએ અમદાવાદના પ્રખ્યાત તબલા વાદક સ્વ. નંદન મહેતા સાથે લગ્ન કર્યા હતા. આ બેલડીએ જીવનભર સંગીતની સાધના કરી હતી. સંગીતના મહાકુંભ ગણાતા સપ્તકની સ્થાપના કરવામાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
દેશનો સૌથી મોટો મ્યુઝિક ફેસ્ટિવલ સપ્તકના કો-ફાઉન્ડર મંજુ મહેતા ઉત્તમ સિતારવાદક ઉપરાંત ભારતના સૌથી પ્રતિષ્ઠિત સંગીત ઉપાસક પણ હતા. 13 દિવસ સુધી ચાલતાં સપ્તક ફેસ્ટિવલની શરુઆત 1980માં કરી હતી. આ ફેસ્ટિવલની મદદથી મંજુ મહેતાએ શાસ્ત્રીય સંગીતની દુનિયાને પ્રોત્સાહન આપતાં ફરી જીવંત કરી હતી.
સંગીત પ્રેમી પરિવારમાં જન્મેલા મંજુ મહેતા
જયપુરના સંગીત પ્રેમી પરિવારમાં જન્મેલા મંજુ મહેતા નાનપણથી જ સંગીત પ્રત્યે આકર્ષિત હતાં. તેમણે 11 વર્ષની વયે એક કાર્યક્રમમાં સિતાર વગાડી લોકોને મનમોહિત કર્યા હતા. મંજુ મહેતાએ પંડિત રવિશંકર મહારાજ ઉપરાંત પંડિત દામોદર લાલ કાબરાજી સાથે સંગીત શીખ્યું હતું. ગાંધર્વ મહાવિદ્યાલયમાંથી માસ્ટર ઇન મ્યુઝિકની ડિગ્રીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 1967માં નંદન મહેતા સાથે લગ્ન કર્યા હતા. મંજુ મહેતાના સંગીતની દુનિયામાં યોગદાન ખાસ કરીને ઉત્કૃષ્ટ સિતારવાદક તરીકે સંગીત નાટક અકાદમી પુરસ્કાર 2019થી બિરદાવવામાં આવ્યા હતા.
આ સિવાય ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર, 2018માં મધ્યપ્રદેશ સરકાર દ્વારા તાનસેન સન્માન અને 2019માં કોલકાત્તા સ્થિત આઇટીસી સંગીત રિસર્ચ ઍકેડમી ઍવૉર્ડથી સન્માનિત થનારી પ્રથમ મહિલા સંગીત પ્રેમી હતાં. મંજુ મહેતાએ ઉંમરના કારણે લગભગ છેલ્લા એક દાયકાથી કશું પર્ફોર્મ કર્યું નથી. તેઓ તેમના ભાઈના પણ ગુરુ રહી ચૂક્યા છે. તેમના મોટા ભાઈ શશી મોહન ભટ્ટ અને નાના ભાઈ વિશ્વ મોહન ભટ્ટ પણ સંગીતના પંડિત છે. જેમાં મોટા ભાઈના પ્રથમ ગુરુ તેમના બહેન મંજુ હતાં.