જુદી-જુદી ટ્રેનમાં બેનંબરી ચાંદીની હેરાફેરી : 55 કિલોનો જથ્થો કબજે
રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી મૂળ રાજસ્થાનના કુરિયર બોય પાસેથી મળેલાં પાર્સલોમાંથી ચાંદીનો જથ્થો મળી આવ્યો
રાજકોટ, : રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી જુદી-જુદી ટ્રેનમાં ભળતી વસ્તુ લખેલા પાર્સલોના ઓઠા નીચે બે નંબરી ચાંદીની હેરાફેરીનું કારસ્તાન રેલ્વે એલસીબીએ પકડી પાડી કુરિયર કંપનીના ડિલેવરી બોયને રૂા.ર૪.૬૯ લાખની 55 કિલો ચાંદી સાથે ઝડપી લઈ તપાસ આગળ ધપાવી છે.
રેલ્વે એલસીબીના પીએસઆઈ જયુભા પરમારે રીઝર્વેશન ઓફિસ નજીકથી મૂળ રાજસ્થાનના અને હાલ સોરઠીયાવાડી સર્કલ પાસેના પટેલનગર શેરી નં.7 માં રહેતાં છોટુ શ્રીસંતોષીલાલ શર્મા (ઉ.વ.26)ને અટકાવી તેની પાસેના પાર્સલોની તલાશી લેતાં અંદરથી 55 કિલો 380 ગ્રામ ચાંદીના દાગીના વગેરે મળી આવ્યા હતા.
જેની કિંમત એલસીબીએ રૂા. 24.69 લાખ ગણી તેને શક પડતી મિલકત તરીકે કબજે કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે છોટુ કાર્ગો કંપનીમાં ડિલેવરી બોય તરીકે કામ કરે છે. ચાંદી ખરેખર કયાં લઈ જતો હતો તે બાબતે તેની પુછપરછ કરવામાં આવી રહી છે. તેની પાસેથી જે ચાંદીનો જથ્થો કબજે થયો છે તેમાં 25 શ્રીફળ, 2વાટકા, 15 કિલો ટોન રો મટીરીયલ, 1 કિલો 200 ગ્રામના કઈડા, 930 ગ્રામ વજનના બ્રેસલેટ, 17 કિલો 200 ગ્રામના પાયલ, 4 કિલો 750 ગ્રામના પારા, 10 કિલો 50 ગ્રામની ઘુઘરીનો સમાવેશ થાય છે. એલસીબીએ છોટુનો મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે.
તેની પાસેથી કબજે થયેલી ચાંદીના બીલ કે આધાર પુરાવા તે રજૂ નહીં કરી શકતા એલસીબીએ કાર્યવાહી કરી હતી. ચાંદીનો જથ્થો ખરેખર કોનો છે, કયાં મોકલાતો હતો, કેટલા સમયથી મોકલાય છે તે સહિતના મુદ્દે એલસીબીએ તપાસ જારી રાખી છે.