માંગરોળનો દરિયો બન્યો તોફાની: 8 માછીમારો ભરેલી બોટ ડૂબી, 1નું મોત, 4 ગુમ

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
Mangrol-Boat


Mangrol Rain : જૂનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સવારથી આજે સાંજ સુધીમાં ગિરનાર અને વિસાવદરમાં આઠ ઇંચ વરસાદ થયો હતો. જ્યારે જૂનાગઢ, કેશોદ, મેંદરડા, ભેસાણ પંથકમાં છ ઇંચ તેમજ માળીયાહાટીનામાં બે અને માંગરોળમાં એક ઇંચ વરસાદ થયો હતો. ઓઝત, ઉબેણ, સોનરખ, કાળવા નદીમાં ફરી પૂર આવતા લોકોમાં ખુશી છવાઈ હતી.

વરસાદ સાથે પવનની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને માછીમારોને સાવચેત કરવા માંગરોળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા વરસાદ બાદની સ્થિતિને પહોંચી વળવા માટે કેશાદમાં એન.ડી.આર.એફ. અને જૂનાગઢમાં એક એસ.ડી.આર.એફ.ની ટીમ તૈનાત રાખવામાં આવી છે.

આ પણ વાંચો : રાજકોટમાં જળવૃષ્ટિ: 15 ચોમાસામાં 40 ઇંચથી વધુ અને 7 ચોમાસે 10 ઇંચથી ઓછો વરસાદ

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે પવનની આગાહી કરવામાં આવી છે. ત્યારે દરિયામાંથી એક બોટ દરિયામાં પલટી ખાઈ ગઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દરિયો ખેડવા ગયેલા માછીમારો બોટમાં ફરી રહ્યા હતા. ત્યારે દરિયો તોફાનો બન્યો હતો. આ દરમિયાન બોટનું એન્જિન બંધ થઈ જતાં ભર દરિયે બોટ એકાએક બંધ થઈ ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. બોટમાં 8 માછીમારો સવાર હતા, જેમાંથી 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 4 લોકોની શોધખોળ શરુ કરવામાં આવી છે ને એક માછીમારનું મોત નિપજ્યું છે.  

ઘટનાની જાણ થતાં ડે. કલેક્ટર સહિત અધિકારીઓનો કાફલો અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એનડીઆરએફ ટીમ અને સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ શરુ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં 4 દિવસમાં સિઝનનો 25% વરસાદ વરસી ગયો, વલસાડ જિલ્લામાં સૌથી વધુ 99 ઇંચ

માંગરોળ સિવાયના તમામ તાલુકામાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ
જૂનાગઢ જિલ્લામાં ગત જુલાઈ માસમાં ભારે વરસાદ પડયો હતો. ત્યારે ભેસાણ અને માંગરોળ સિવાયના તમામ તાલુકામાં સિઝનનો સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ થઈ ગયો હતો. જ્યારે ભેસાણમાં પણ હવે 100 ટકાથી વધુ વરસાદ થઈ ગયો છે. હવે માંગરોળમાં આ વખતે ઓછો વરસાદ છે.

આ પણ વાંચો : ગુજરાતનો હજુ પીછો નહીં છોડે વરસાદ, 6 જિલ્લામાં રેડ ઍલર્ટ, 800થી વધુ માર્ગો બંધ થતાં હાલાકી

દામોદરકુંડ અને વિલિંગ્ડન ડેમ ખાતે રેસ્ક્યુ ટીમ તહેનાત
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વિલિંગડન ડેમ અને દામાંડરકુંડ ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે તંત્રએ રેસ્કયુ ટીમ તૈનાત કરી દીધી છે.

આગામી 3 દિવસ ક્યાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ ઍલર્ટ

28 ઑગસ્ટ : ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવ.

29 ઑગસ્ટ : રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવ.

30 ઑગસ્ટ : સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવ.


Google NewsGoogle News