Get The App

કેરીના ભાવમાં 20 ટકા સુધીનો વધારો, રસની મીઠાશ મોંઘી થઈ

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
કેરીના ભાવમાં 20 ટકા સુધીનો વધારો, રસની મીઠાશ મોંઘી થઈ 1 - image


- છાસવારે બદલાતા હવામાનના પગલે કેરીના પાકમાં ઘટાડો

- ગોહિલવાડમાં પડેલાં કમોસમી વરસાદથી કેરીમાં ઈયળની શકયતા, સિઝનના આખરી તબક્કામાં આવક વધે તો કેરીના ભાવ ઘટવાની શક્યતા  

ભાવનગર : અર્ધો ઉનાળો પુરો થવા આવ્યો હોવા છતાં ફળોના રાજા કેરીના ભાવ ઉતરતા ન હોય કેરીના રસિયાઓ નિરાશ થઈ રહ્યા છે. સામાન્ય રીતે ઉનાળો જામતા કેરીના ભાવ નીચે આવી જતા હોય છે ત્યારે આ વર્ષે તાલાલા ગીરની અસલ કેસર કેરીની આવક ઘટતા તેની સામે ડિમાન્ડ વધી  જતા કેરીના ભાવમાં સરેરાશ ૨૦ ટકા સુધીનો વધારો થતા કેરીના રસિયાઓ માટે રસની મીઠાશ મોંઘી થઈ ગઈ છે. 

દર વર્ષે ઉનાળો શરૂ થતાની સાથે જ આબાલવૃધ્ધ સૌ કોઈ ફળોના રાજા ગણાતી કેરીની કાગડોળે પ્રતિક્ષા કરતા હોય છે. તાલાલા ગીર અને કચ્છની કેસર, રત્નાગીરીની હાફુસ, સુંદરી, તોતા પાયરી, બદામ સહિતની જુનાગઢ,વંથલી, સોસીયા સહિતના વિવિધ વિસ્તારોની અલગ-અલગ કેરીનો સ્વાદ મન ભરીને માણવા કેરીના રસિયાઓ ઉત્સુક જોવા મળતા હોય છે. સામાન્ય રીતે ગરમીની સિઝન કેરી વિના અધૂરી ગણાય છે. ગરમી જામતા શહેરની મુખ્ય  અને પરા વિસ્તારોની શાકમાર્કેટમાં ઠેર-ઠેર કેરીઓના ખડકલાઓ વેચાણ માટે જોવા મળતા હોય છે. પરંતુ આ વર્ષે ઉનાળાના પ્રારંભિક તબકકામાં કેસર કેરીને જાણે કે,પ્રતિકુળ વાતાવરણની નજર લાગી ગઈ હોય તેમ ગોહિલવાડમાં ચોમેર કેરીની અછત સર્જાતા કેરીના ભાવ આસમાને આંબી ગયા છે. માર્કેટમાં આવતી કેરી હાલ સામાન્ય વર્ગના લોકોને પોષાય તેવી નથી રહી.ભાવનગર અને મહુવા સહિતના અનેક સ્થળોની માર્કેટ યાર્ડમાં કેરીની હરાજીઓ શરૂ થઈ ગઈ છે. ભરઉનાળે તાજેતરમાં ભાવનગર સહિત કયાંક કયાંક ત્રાટકેલા કમોસમી વરસાદથી કેરીના પાકને આંશિક નુકશાન થઈ રહ્યુ છે. એકબાજુ કેરીનું ઉત્પાદન ઓછુ થતા અગાઉના વર્ષોની તુલનામાં કેરીના ભાવમાં અંદાજે ૧૫થી ૨૦ ટકાનો વધારો થયો છે. જો કે, સીઝનના આખરી તબકકામાં જો કદાચ કેરીની આવક વધશે તો ભાવમાં થોડો આંશિક ઘટાડો જરૂર થાય તેમ છે.

ભાવ વધારાથી પ્રસંગોમાં રસની માંગ પર અસર પડશે

સ્થાનિક રીટેલ માર્કેટમાં સારી ગુણવત્તાની કેરી હાલ રૂા ૧૫૦ થી લઈને રૂા ૨૦૦ ઉપરના ભાવે વેચાઈ રહી છે. ઓણ સાલ કેરીનું ઉત્પાદન ઓછુ થયેલ છે. ચાલુ વર્ષે પ્રતિકુળ હવામાનના કારણે કૃષિ પાકને નુકશાન થયેલ છે. જેમાં કેરીનો પાક ખરી પડયો હતો.પરિવહન અને મજુરી ખર્ચ વધી જતા કેરીના ભાવ ઉચા છે તેથી કેરીના વેચાણ કેન્દ્રોમાં ફકત ગ્રાહકોની પુછપરછ વધી રહી છે જયારે ઘરાકી પ્રમાણમાં ઓછી છે.જો કેરીના ભાવ ઉંચા જ રહેશે તો આગામી લગ્નગાળા સહિત માંગલિક પ્રસંગો તેમજ ચૈત્ર માસના ધાર્મિક ઉત્સવોની સીઝનમાં કેરીના રસની માંગ પર તેની ચોકકસપણે અસર પડશે.

Tags :