કેરીના રસનું ચેકિંગ કરાયું ૨૫ નમૂના લેબોરેટરીમાં મોકલ્યા
૧૨ કિલો રંગવાળો રસ નાશ કર્યો
વડોદરા,હાલ કેરીની સીઝનમાં કેરીના તૈયાર રસના વેચાણની ઠેર ઠેર હાટડીઓ મંડાઈ છે, ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેરીની વખારો અને દુકાનોની સાથે સાથે કેરીના રસનું ચેકિંગ કરી સેમ્પલો લેવાની શરૃઆત કરી છે.
આજ રોજ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમો દ્વારા શહેરના ઈલોરાપાર્ક, સુભાનપુરા, હરિનગર, વાસણા- ભાયલી રોડ, ડેરી ત્રણ રસ્તા, કારેલીબાગ, દાંડિયાબજાર, અભિલાષા ચાર રસ્તા, ચાણક્યપુરી ચાર રસ્તા વિસ્તારમાં કેરીનો તૈયાર રસ વેચતા દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને રસના કુલ ૨૫ નમૂના લઈ તપાસાર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. આ ૨૫ નમૂનામાં કેરીના રસના ત્રણ અને મેંગો મિલ્ક શેકના ૨૨ નમૂના હતા જ્યારે ૧૨ કિલો રંગવાળા રસનો નાશ કર્યો હતો. દુકાનદારો રસને મીઠો બનાવવા ચાસણી ઉપરાંત કેસરી રંગનો બનાવવા કૃત્રિમ રંગનો વપરાશ કરતા હોય છે.