રાંદેસણમાં મોપેડ સવાર વૃદ્ધાના ગળામાંથી ૫.૪૨ લાખના મંગળસૂત્રની ચીલઝડપ
ગાંધીનગરમાં ચેઇન સ્નેચરોનો તરખાટ યથાવત
પુત્રી સાથે ખરીદી કરવા જઈ રહ્યા હતા તે સમયે બાઈક ઉપર આવેલા ચેઇન સ્નેચરોએ નિશાન બનાવ્યા
ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓ વધી રહી છે ત્યારે પુત્રી સાથે કુડાસણ ખરીદી કરવા જઈ રહેલા રાંદેસણના વૃદ્ધાના ગળામાંથી બાઈક ઉપર આવેલા બે ચેઇન સ્નેચરો દ્વારા ૫.૪૨ લાખ રૃપિયાના મંગળસૂત્રની ચીલ ઝડપ કરી લેવામાં આવી હતી. જે સંદર્ભે હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.
પાટનગર ગાંધીનગર શહેરમાં ચોરીની ઘટનાઓની સાથે ચીલ ઝડપ અને
ચેઇન સ્નેચિંગના બનાવો પણ વધી રહ્યા છે ત્યારે આ સ્થિતિમાં રાંદેસણમાં વધુ એક ચેઇન
સ્નેચિંગની ઘટના બહાર આવી છે. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
રાંદેસણમાં આવેલી બાલમુકુંદ રીફલેકટ ફ્લેટમાં રહેતા વૃદ્ધા નિરજા મુરલીધરન તેમની
પુનાથી આવેલી દીકરી રેશ્મા સંતોષ પાંડા સાથે શુક્રવારે સાંજે કુડાસણમાં ખરીદી માટે
મોપેડ પર નીકળ્યા હતા. રેશ્મા મોપેડ ચલાવી રહી હતી અને નિરજાબેન પાછળ બેઠા હતા. આ
સમયે પ્રતિષ્ઠા હાઈટ્સ સોસાયટી પાસેથી પસાર થતી વખતે અચાનક બાઈક પર આવેલા બે
શખ્સોએ નિરજાબેનના ગળામાંથી સાત તોલા વજનનું સોનાનું મંગળસૂત્ર ખેંચી લીધું અને
પળવારમાં ફરાર થઈ ગયા હતાં. જેના પગલે તેમણે બૂમાબૂમ કરી હતી પરંતુ આ શખ્સો હાથમાં
આવ્યા ન હતા . ત્યારબાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ઈન્ફોસિટી પોલીસ
તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આરોપીઓની શોધખોળ માટે આસપાસના
વિસ્તારોમાં તપાસ શરૃ કરી છે અને સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૃ કરી છે. ગુનો દાખલ
કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી.