ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસને ચોથો ઝટકો, ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું
Gujarat Politics : ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપ ગુજરાતમાં ઓપરેશન લોટ્સ અંતર્ગત કોંગ્રેસ અને આપના નેતાઓને ભાજપમાં સામેલ કરી રહ્યું છે. ગત સોમવારે એક જ દિવસમાં કોંગ્રેસના કેટલાક દિગ્ગજોએ પક્ષમાંથી રાજીનામાં આપી દીધા હતા અને મંગળવારે ભાજપના ખેસ ધારણ કર્યા હતા. ત્યારે આજે (બુધવાર) સૌરાષ્ટ્રના કદાવર નેતા અને માણાવદરના ધારાસસભ્ય અરવિંદ લાડાણીએ કોંગ્રેસ પક્ષમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સુપરત કર્યું હતું. રાહુલ ગાંધીની યાત્રા પહેલા જ કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે.
કોણ છે અરવિંદ લાડાણી ?
અરવિંદ લાડાણી જૂનાગઢની માણાવદર બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2022માં તેમણે ભાજપના જવાહર ચાવડાને હરાવ્યા હતા. તેઓ 2019ની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા સામે હાર્યા હતા. ખેડૂત પુત્ર અરવિંદ લાડાણી 35 વર્ષથી રાજનીતિમાં છે. જિલ્લા પંચાયતની મટીયાણા બેઠકના કાર્યકારી સભ્ય છે. ત્રણ ટર્મ સુધી તાલુકા સંઘના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે.