માણાવદર બેઠક પર ધારાસભ્યોના પક્ષપલટાનો ઈતિહાસ, જવાહર ચાવડાનો અફવાઓને રદિયો
Gujarat By Elections : લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણી પહેલા ગુજરાતમાં રોજબરોજ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. પાંચ બેઠકોમાંની એક બેઠક માણાવદર. જે બેઠક પરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું હતું અને તેઓ ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. હવે આ ખાલી પડેલી બેઠક પર 7મી મેના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે ભાજપે પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીને ટિકિટ માટે વચન આપ્યું હોવાથી તેમની ઉમેદવારી લગભગ નક્કી છે. કેન્દ્રીય મંત્રી પણ તેનો સંકેત આપી ચૂક્યા છે. અરવિંદ લાડાણીના ભાજપમાં આગમન બાદથી ભાજપના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા નારાજ હોવાની વાત વહેતી થઈ હતી. આ અંગે તેમણે ખુદ સ્પષ્ટતા કરી છે.
હું સંપૂર્ણ રીતે ભાજપ સાથે જ જોડાયેલો રહીશ : જવાહર ચાવડા
પક્ષપલટાને લઈને ચલાતા સમાચાર અંગે જવાહર ચાવડાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, 'મારા વિશે ચાલતા રાજકીય ફેરફારના સમાચાર પાયાવિહોણા છે. માત્ર અફવા ચાલે છે, હું સંપૂર્ણ રીતે ભાજપ સાથે જ જોડાયેલો રહીશ.' અબકી બાર 400ને પાર સૂત્રને તેમણે સમર્થન આપ્યું હતું.
જવાહર ચાવડા નારાજ હોવાની વાત કયા કારણે થઈ વહેતી?
- 2019માં કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને જવાહર ચાવડા ભાજપમાં જોડાયા હતા. ત્યારે પેટા ચૂંટણી કરવી હતી. ત્યારે ફરી એવો જ ઘટનાક્રમ સર્જાયો છે. ફરી આ બેઠક પર પેટા ચૂંટણી કરવી પડી રહી છે. રાજકીય વિશેષજ્ઞોના અનુસાર, જવાહર ચાવડા માણાવદર બેઠક પર પેટા ચૂંટણી લડવા માંગે છે. પરંતુ આ પેટા ચૂંટણીમાં ભાજપ જવાહર ચાવડા નહીં પરંતુ અરવિંદ લાડાણીને જ ટિકિટ આપે તેવી પૂર્ણ સંભાવનાઓ છે. જોકે, ભાજપ કે કોંગ્રેસે હજુ સુધી પેટા ચૂંટણી માટે ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. ત્યારે રાજકીય ચોરે એવી ચર્ચા છે કે અરવિંદ લાડાણીનું ભાજપમાં આગમન અને ટિકિટ ન મળવાની શક્યતાઓના કારણે જવાહર ચાવડા નારાજ થયા છે.
- 14 માર્ચના રોજ માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લડાણીએ સી.આર. પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ કાર્યક્રમમાં માણાવદર ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટમંત્રી જવાહર ચાવડાની ગેરહાજરી જોવા મળી હતી. આ સાથે જ તેમની નારાજગીની ચર્ચાઓ શરૂ થઈ હતી.
- હાલમાં પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે મિટિંગનું આયોજન કરાયું હતું. આ મિટિંગમાં જવાહર ચાવડા હાજર રહ્યા નહોતા. એવી વાતો ચાલી હતી કે જવાહર ચાવડા આવશે પણ કાર્યક્રમ પૂર્ણ થયો છતાં તેઓ આવ્યા નહોતા. છેલ્લા કેટલાક દિવસોથી જવાહર ચાવડાએ પક્ષ અને સરકારી કાર્યક્રમોમાં જોવા નથી મળી રહ્યા.
- કોંગ્રેસ તરફથી જવાહર ચાવડાને આમંત્રણ પણ અપાયું છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 'જવાહર ચાવડા આવતા હોય તો કોંગ્રેસમાં મોસ્ટ વેલ્કમ છે. કોંગ્રેસના દરવાજા તમામ માટે ખુલ્લા છે.'
આ તમામ ઘટનાક્રમો બાદ એવી ચર્ચા વહેતી થઈ હતી કે જવાહર ચાવડા કોંગ્રેસમાં જોડાઈને ઘરવાપસી કરી શકે છે. ભાજપ હવે અરવિંદ લાડાણીને જ ટિકિટ આપી શકે છે. પરંતુ આ વાતને જવાહર ચાવડાએ અફવા ગણાવી છે. તેમના અનુસાર, તેઓ ભાજપ સાથે જ જોડાયેલા રહેશે. તો બીજી તરફ હરી પટેલ અને પાલ આંબલિયાનાને કોંગ્રેસ ટિકિટ આપે તેવી શક્યતાઓ છે.
કોણ છે જવાહર ચાવડા અને શું છે માણાવદર બેઠક પરના સમીકરણ?
ધોરાજીના ભાડજલિયામાં જન્મેલા જવાહર ચાવડા આહિર સમાજના અગ્રણી છે. હાલ, તેઓ ભાજપના નેતા છે. આ અગાઉ તેઓ જવાહર ચાવડા કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને તેઓ વર્ષોથી કૉંગ્રેસમાં જોડાયેલા હતા. કૉમર્સ ગ્રૅજ્યુએટ થયેલા જવાહર ચાવડા 1990, 2007, 2012 અને 2017થી ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય પદે જીતતા આવ્યા છે. તેઓ સ્થાનિક રાજકારણમાં 1988થી સક્રિય છે. તેમના પિતા પેથલજી ચાવડા પણ કોંગ્રેસના નેતા હતા. પેથલજી ચાવડાનો રાજકીય વારસો જવાહર ચાવડાએ સંભાળ્યો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને જામનગરમાં પેથલજીભાઈ શિક્ષણ માટે કામ કરતા હતા. સમાજ ઉપયોગી કામ માટે પેથલજી ચાવડા પણ લોકનેતા તરીકે જાણીતા હતા. માણાવદરમાં સૌથી પહેલા પેથલજી ચાવડાએ લોકોના દિલ જીત્યા હતા. જવાહર ચાવડાના પિતા પેથલજી ચાવડા માણાવદરના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ જવાહર ચાવડાએ રાજનીતિમાં ઝંપલાવ્યું હતું.
1995માં રતિલાલ સુરેજા સામે જવાહર ચાવડા ચૂંટણી હારી ગયા હતા. 1998માં પણ ઈતિહાસ દોહરાયો અને ફરી રતિલાલ સામે જવાહર ચાવડા હારી ગયા. 2007માં પહેલીવાર જવાહર ચાવડા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જેની સામે બે વાર ચૂંટણી હાર્યા હતા તે રતિભાઈને જવાહર ચાવડાએ હરાવ્યા હતા. 2012માં રતિભાઈ સુરેજાને હરાવીને બીજીવાર જવાહર ચાવડા ધારાસભ્ય બન્યા હતા. 2017માં પણ જવાહર ચાવડા ધારાસભાની ચૂંટણી જીતીને ત્રીજી વાર ધારાસભ્ય બન્યા હતા. 2017માં જવાહર ચાવડાએ નીતિન ફળદુને હરાવીને માણાવદર બેઠક જીતી હતી. સતત ત્રણ ચૂંટણી જીતીને યુવા ધારાસભ્ય તરીકે મતદારોમાં અલગ છાપ છોડી હતી. લોકોના નેતા તરીકે સતત લડતા રહેતા જવાહર ચાવડા લોકનેતા બની ચૂક્યા છે. માણાવદરની જનતાએ 2007માં ચૂંટ્યા પછી સતત ત્રીજીવાર તેમને જીતાડ્યા છે. જવાહર ચાવડા વિધાનસભામાં ગુજરાતના પ્રશ્નો જબરજસ્ત રીતે ઉઠાવે છે. જવાહર ચાવડા ખેડૂતોમાં લોકપ્રિય નેતા છે. માત્ર પોતાના જ નહીં ગુજરાતના કોઈ પણ વિસ્તારના લોકો માટે લડતા હતા. ત્યારે બાદ તેઓ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા, જેને લઈને માણાવદર બેઠક પર પેટા ચૂંટણી થઈ હતી. પેટા ચૂંટણીમાં જવાહર ચાવડાની જીત થઈ હતી. જોકે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ચિહ્ન પર લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી.
એક સમયે જવાહર ચાવડા અને અરવિંદ લાડાણી ખુબ નજીક ગણાતા હતા
માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે અરવિંદ લાડાણી તેમના ખુબ જ નીકટના ગણાતા હતા. ત્યારબાદ જવાહર ચાવડાએ ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપ પ્રવેશ કર્યો ત્યારે તેની સામે કોંગ્રેસમાંથી અરવિંદ લાડાણી જ ચૂંટણી લડયા હતા. તેમાં અરવિંદ લાડાણીનો પરાજય થયો અને જવાહર ચાવડા કેબિનેટ મંત્રી બન્યા હતા. બાદમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ફરીવાર અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી અને જવાહર ચાવડા ભાજપમાંથી સામસામે ચૂંટણી લડયા હતા. જેમાં જવાહર ચાવડાનો કારમો પરાજય થયો હતો. હવે એ જ લાડાણી ભાજપમાં જ જોડાઈ જતા જવાહર ચાવડા નારાજ હોવાની ચર્ચાએ જોર પકડયું હતું.
ટિકિટ આપવી એ ભાજપનો પ્રશ્ન છે : અરવિંદ લાડાણી
ભાજપમાં જોડાવા સમયે અરવિંદ લાડાણીએ કહ્યું હતું કે, 'વિસ્તારના વિકાસના અધુરા કામ પુરા કરવા માટે ભાજપમાં જોડાયો છું. ઘેડ પંથકની નદીઓને ઉંડી-પહોળી કરવી, સિંચાઈના કામો, રસ્તાના કામો, માણાવદર શહેરમાં પાંચ દિવસને બદલે દરરોજ પાણી આપવાના મુદ્દે પ્રયત્ન કરીશ.' જવાહર ચાવડાની ગેરહાજરી અને નારાજગી અંગે પોતે અજાણ હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓ સંજોગોવસાત ન પણ આવી શક્યા હોય. ટિકિટ આપવાના મુદ્દે એવી પ્રતિક્રિયા આપી હતી કે, 'એ પ્રશ્ન ભાજપનો છે, ભાજપ નક્કી કરશે એ મુજબ કામગીરી કરીશ.'