'લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો...', ભાજપ ધારાસભ્યએ જમીન પર બેસીને કર્યો ગુસ્સો, અધિકારીએ કાન પકડી લીધા
BJP MLA Arvind Ladani Angry: માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી હવે એક્શન મોડમાં આવી ગયા છે. પાલિકાના અણધડ વહીવટ સામે અરવિંદ લાડાણી પાલિકાના ચીફ ઓફિસર સાથે જમીન પર બેસી ગયા હતા અને અધિકારીને ખખડાવ્યા હતા.
ચીફ ઓફિસરે પણ કાન પકડી લીધા
મળતી માહિતી અનુસાર, માણાવદરમાં પ્રિ-મોન્સૂન કામગીરીને લઈને વ્યાપક ફરિયાદો ઉઠતાં ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી મામલતદારની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં તેઓ જમીન પર બેસી ગયા હતા અને પોતાની બાજુમાં ચીફ ઓફિસરને બેસાડીને એક પછી સવાલો કર્યા હતા. આ ઉપરાંત અધિકારી સમક્ષ જ અરવિંદ લાડાણીએ ભંગારનો સમાન વેચવામાં લોખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું. તેમના આક્ષેપો બાદ ચીફ ઓફિસરે પણ કાન પકડી લીધા હતા.
ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પ્રિ-મોન્સૂન કામગીરીને લઈને 24મી જૂન સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જો ત્યાં સુધીમાં કામગીરી પૂર્ણ નહીં થાય, તો 25મી જૂને તેઓ જનતાને સાથે રાખીને આંદોલન કરશે તેમ જણાવ્યું છે.