Get The App

'ત્રેવડ હતી તો ચૂંટણી પહેલાં બોલવું હતું', જવાહર ચાવડાએ ભાજપ છોડવાના આપ્યા સંકેત

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
Jawahar Chavda


Manavadar BJP Controversy: તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીઓ પુરી થઈ ત્યારે પોરબંદર લોકસભા ક્ષેત્રમાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. આગામી ટૂંક સમયમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા કંઇક નવાજૂની કરે તેવું લાગી રહ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પરથી ભાજપનું ચિહ્ન (કમળ) તેમન ભાજપને લગતી તમામ પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે.

મનસુખ માંડવિયા પર જવાહર ચાવડાએ પ્રહાર કર્યા

સૌથી મહત્ત્વની વાત એ છે કે જવાહર ચાવડાએ મનસુખ માંડવિયાને ઉદ્દેશીને એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, 'મારી ઓળખ પર ભાજપે પોતાની ઓળખ બનાવી છે. મેં છ જિલ્લાના 21 તાલુકાઓમાં અભિયાન ચલાવીને 75 હજારથી વધુ પરિવારોને બીપીએલનો લાભ અપાવ્યો છે.  હું મશાલ લઇ લડત કરતો હતો. મારી એક અલગ ઓળખ છે અને મારી ઓળખ પર ભાજપએ તેમની ઓળખ બનાવી છે. ભાજપના લોકોમાં ત્રેવડ હોત તો ચૂંટણી પહેલા વાત કરવી હતી.'

જવાહર ચાવડાને કોંગ્રેસનું આમંત્રણ

જવાહર ચાવડાના નિવેદન બાદ કોંગ્રેસ નેતા લલિત કગથરાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, 'જવાહર ચાવડાની ઈચ્છા હોય તો કોંગ્રેસમાં સ્વાગત છે. જો જવાહર ચાવડા આવતા હોય તો કોંગ્રેસમાં વેલકમ છે. મજબૂત નેતાઓને ભાજપ સાઇડલાઇન કરે છે. જવાહર ચાવડા ભાજપની વાસ્તવિકતા બહાર લાવ્યા છે. ભાજપના નેતાઓ માત્ર કમળના નિશાનથી જ ઓળખાય છે.' આ ઉપરાંત કોંગ્રેસ નેતા હીરા જોટવાએ કહ્યું હતું કે 'ભાજપ નેતાઓને ખતમ કરવાનું કામ કરે છે. કોંગ્રેસના નેતાઓને લઈ જઈને ભાજપે પૂરા કરવાનું કામ કર્યું. જવાહર ચાવડાએ ભાજપમાં જઈ મોટી ભૂલ કરી છે.'

અરવિંદ લાડાણીના જવાહર ચાવડા પર ગંભીર આક્ષેપ

માણાવદરથી ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યુ કે, 'જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાએ પોતાની જિનિંગ ફેકટરીમાં કાર્યકર્તાઓની મીટિંગ બોલાવી હતી. તેમાં તેમણે બધાને કહ્યું હતું કે મારા પપ્પાની હારનો બદલો લેવા માટે ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવો. આપણે હવે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે. આ બાબતે મેં સી.આર. પાટીલને લેખિત જાણ પણ કરી હતી.'

મનસુખ માંડવિયાએ જવાહર ચાવડા પર પ્રહાર કર્યા હતા

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરમાં જવાહર ચાવડા ઉપર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'ભાજપના સિમ્બોલ લઈને ફરતા કાર્યકરોએ ભાજપનું કામ કરવું જોઈએ.'

કોણ છે જવાહર ચાવડા?

ધોરાજીના ભાડજલિયામાં જન્મેલા જવાહર ચાવડા આહિર સમાજના અગ્રણી છે. હાલ, તેઓ ભાજપના નેતા છે. આ અગાઉ તેઓ જવાહર ચાવડા કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને તેઓ વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા હતા. કોમર્સ ગ્રૅજ્યુએટ થયેલા જવાહર ચાવડા 1990, 2007, 2012 અને 2017થી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદે જીતતા આવ્યા છે. તેઓ સ્થાનિક રાજકારણમાં 1988થી સક્રિય છે. તેમના પિતા પેથલજી ચાવડા પણ કોંગ્રેસના નેતા હતા. પેથલજી ચાવડાનો રાજકીય વારસો જવાહર ચાવડાએ સંભાળ્યો છે. 

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને જામનગરમાં પેથલજીભાઈ શિક્ષણ માટે કામ કરતા હતા. સમાજ ઉપયોગી કામ માટે પેથલજી ચાવડા પણ લોકનેતા તરીકે જાણીતા હતા. માણાવદરમાં સૌથી પહેલા પેથલજી ચાવડાએ લોકોના દિલ જીત્યા હતા. જવાહર ચાવડાના પિતા પેથલજી ચાવડા માણાવદરના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ જવાહર ચાવડાએ રાજનીતિમાં ઝંપલાવ્યું હતું.

1995માં રતિલાલ સુરેજા સામે જવાહર ચાવડા ચૂંટણી હારી ગયા હતા. 1998માં પણ ઈતિહાસ દોહરાયો અને ફરી રતિલાલ સામે જવાહર ચાવડા હારી ગયા. 2007માં પહેલીવાર જવાહર ચાવડા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જેની સામે બે વાર ચૂંટણી હાર્યા હતા તે રતિભાઈને જવાહર ચાવડાએ હરાવ્યા હતા. 2012માં રતિભાઈ સુરેજાને હરાવીને બીજીવાર જવાહર ચાવડા ધારાસભ્ય બન્યા હતા. 2017માં પણ જવાહર ચાવડા ધારાસભાની ચૂંટણી જીતીને ત્રીજી વાર ધારાસભ્ય બન્યા હતા. 2017માં જવાહર ચાવડાએ નીતિન ફળદુને હરાવીને માણાવદર બેઠક જીતી હતી. સતત ત્રણ ચૂંટણી જીતીને યુવા ધારાસભ્ય તરીકે મતદારોમાં અલગ છાપ છોડી હતી. લોકોના નેતા તરીકે સતત લડતા રહેતા જવાહર ચાવડા લોકનેતા બની ચૂક્યા છે. 

માણાવદરની જનતાએ 2007માં ચૂંટ્યા પછી સતત ત્રીજી વાર તેમને જીતાડ્યા છે. જવાહર ચાવડા વિધાનસભામાં ગુજરાતના પ્રશ્નો જબરજસ્ત રીતે ઉઠાવે છે. જવાહર ચાવડા ખેડૂતોમાં લોકપ્રિય નેતા છે. માત્ર પોતાના જ નહીં ગુજરાતના કોઈ પણ વિસ્તારના લોકો માટે લડતા હતા. ત્યારે બાદ તેઓ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા, જેને લઈને માણાવદર બેઠક પર પેટા ચૂંટણી થઈ હતી. પેટા ચૂંટણીમાં જવાહર ચાવડાની જીત થઈ હતી. જો કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ચિહ્ન પર લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી.


Google NewsGoogle News