મની સોલ્યુસનના સંચાલકે કન્ઝ્યુમર સહિતની લોન લઈ 20થી વધુ લોકોને છેતર્યાનો આક્ષેપ
Baroda: વડોદરા અક્ષર ચોક સિગ્નેટ હબમાં મની સોલ્યુશન નામથી ઓફિસ ચલાવતા સંચાલકે કન્ઝ્યુમર સહિતની લોન અપાવવાની લાલચે પ્રોડક્ટ કટિંગ કરાવી લોકો સાથે ઠગાઈ કરતા ભોગ બનનારાઓ મની સોલ્યુશનની ઓફીસ ખાતે પહોંચ્યા હતા અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
લોન અપાવવાની લાલચે રાજીવ ચોબે નામના વ્યક્તિએ 20થી વધુ લોકો સાથે ઠગાઈ કરતા ભોગ બનનારાઓએ અગાઉ પોલીસ મથકે ફરિયાદ આપવા છતાં પણ કોઈ કાર્યવાહી નહિ થતા સોમવારે અક્ષર ચોક પાસે સિગ્નેટ હબમાં આવેલી મની સોલ્યુશનની ઓફીસ ખાતે પહોંચ્યા હતા. જોકે કોઈ હાજર ન હોય ભોગ બનનારાઓએ મીડિયા સમક્ષ ઠગાઈ કરનાર રાજીવ ચોબેનો ભાંડો ફોડ્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે, રાજીવ નામના વ્યક્તિએ સિગ્નેટ હબમાં મની સોલ્યુશન નામથી ઓફીસ ખોલી છે. જે લોકોને ત્વરિત લોન આપવાની લાલચ આપી હતી અને વાઘોડિયા ચોકડી પાસે આવેલી જાસમીન મોબાઈલ શોપમાં લઈ જતો હતો. જ્યાં અમારા નામ પર મોંઘાદાટ ભાવના મોબાઈલ પર લોન લઈ અમુક રકમ જ ચૂકવતો હતો અને લાખો રૂપિયાની લોન અમારા નામે લઈ લીધી છે.
ઘણા લોકોની મોબાઇલની, ઘરની પર્સનલ લોન સહિત કન્ઝ્યુમર લોન પણ લીધી છે. અત્રે મહત્વની બાબત એ છે કે, 20થી વધુ લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર રાજીવ વિરેન્દ્ર ચોબે પોતે ફરિયાદી સંઘ ઓફ માનવ અધિકારનો વાઇસ પ્રેસિડન્ટ છે. હાલ તો સિગ્નેટ હબમાં આવેલી મની સોલ્યુશન નામની ઓફિસમાં તાળા લટકેલા છે અને સંચાલકો ફરાર છે. સમગ્ર મામલે ભોગ બનનારાઓ દ્વારા અગાઉ જે.પી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવા છતાં પણ આજ દિન સુધી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા ભોગ બનનારા લોકો મની સોલ્યુશનની ઓફિસ ખાતે પહોંચ્યા હતા.