સનરાઇઝ સ્કૂલના સંચાલકોએ શિક્ષિકાઓની ખોટી સહીઓ વાળા પગાર પત્રક રજૂ કર્યા
નાયબ કલેક્ટર કચેરીમાં હાલ બોટકાંડમાં ભોગ બનેલાઓના પરિવારને વળતર આપવાની કાર્યવાહી ચાલી રહી છે
વડોદરા,હરણીની બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બે શિક્ષિકાઓની ખોટી સહીઓ વાળા પગારના પત્રકોની નકલ શાળા સંચાલકોએ નાયબ કલેક્ટરની કચેરીમાં રજૂ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે મૃત શિક્ષિકાના પુત્રે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
હરણી બોટકાંડમાં જીવ ગુમાવનાર માસૂમ વિદ્યાર્થીઓ વાઘોડિયા રોડની ન્યૂ સનરાઇઝ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર શિક્ષિકા છાયાબેન સુરતીના પુત્ર જીગર સુરતીએ સ્કૂલના એમ.ડી.રૃષિ વાડીયા તથા અન્ય સંચાલકો મયૂરીબેન વ્યાસ, પંકજકુમાર ઠક્કર, સુનીતાબેન રાખુંડે, શહેનાઝબાનુ એમ. બેલિમ તથા દિવ્યાબેન સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. જેમાં જણાવ્યું છે કે, મારી માતા જુલાઇ - ૨૦૨૩ થી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા. આ સ્કૂલમાં તેઓને રોકડમાં પગાર ચૂકવાતો હતો. પત્રકોમાં જે રકમ ભરવામાં આવતી હતી. તેનાથી ઓછો પગાર ચૂકવવામાં આવતો હતો.અમને ઘણી આર્થિક ભીસ હોઇ સ્કૂલનું આ પ્રકારનું શોષણ સહન કરીને મારી માતા નોકરી કરતા હતા.
નાયબ કલેક્ટર કચેરીમાં ઇન્કવાયરી શરૃ થતા નાયબ કલેક્ટર દ્વારા તમામ ભોગ બનનાર, કોટિયા પ્રોજેક્ટ, કોર્પોરેશન તથા સનરાઇઝ સ્કૂલને પોતાનો પક્ષ રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. આ કેસની સુનાવણી દરમિયાન જીવ ગુમાવનાર શિક્ષિકાઓના પરિવારને ઓછું વળતર મળે તે માટે નવેમ્બર તથા ડિસેમ્બર ૨૦૨૩ ના પત્રકો ખોટી સહીઓ વાળા તૈયાર કરીને નાયબ કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ પત્રકમાં મારી માતાની સહી ખોટી હતી. તેમજ પગારની વિગતો પણ ખોટી દર્શાવી હતી. અન્ય શિક્ષિકા ફાલ્ગુનીબેન પટેલના પતિએ પણ તેમના પત્નીની ખોટી સહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ફાલ્ગુનીબેન ૩૫ વર્ષથી નોકરી કરતા હતા. તેમનો પી.એફ. કપાતો હોવાછતાંય તેમના પત્રકમાં પી.એફ.નું કોલમ ખાલી હતું.જો શાળા સંચાલકોએ અસલ સહીવાળા દસ્તાવેજો રજૂ કર્યા હોત તો ભવિષ્યમાં વળતર ચૂકવવાનો આદેશ થાય તો શિક્ષિકાઓને વધુ વળતર ન મળે તેવા બદઇરાદે ખોટી સહીઓ કરવામાં આવી છે.
શિક્ષિકાઓને જે પગાર મળતો હતો, તે રકમ જ દર્શાવી છે : શાળા સંચાલક
વડોદરા,આ અંગે સ્કૂલના એમ.ડી.રૃષિ વાડિયાએ જણાવ્યું હતું કે, અમે જે પગાર દર્શાવ્યો છે. તે પગારની રકમ સાચી જ છે. અમે પગારની રકમ ખોટી દર્શાવી નથી. એક શિક્ષિકાને તો તેમના પગાર પ્રમાણેનો પી.એફ. પણ મળી ગયો છે. પત્રકની સહીઓ અંગે તેમણે જણાવ્યું હતું કે, કેટલીક વખત શિક્ષિકાના સગા પણ પગાર લઇ જતા હોય છે.એ કામ એકાઉન્ટન્ટનું છે. જે પગાર શિક્ષિકાઓને ચૂકવવામાં આવતો હતો. તે જ રકમ દર્શાવવામાં આવી છે.