સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારનારને ૨૦ વર્ષની સખત કેદ
માણસા તાલુકાના ગામમાં બે વર્ષ અગાઉ
ગાંધીનગર : માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વર્ષ અગાઉ સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને બળાત્કાર ગુજરનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ કેસ ગાંધીનગર બીજા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને ૨૦ વર્ષની સખત કેદ ફટકારવામાં આવી છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં
રહેતી સગીરાને વર્ષ ૨૦૨૩માં મહેસાણા તાલુકાના ચલુવા ગામમાં રહેતો યુવાન કરણજી
ભીખાજી ઠાકોર લલચાવી ફોસલાવીને તેના બાઈક ઉપર લઈ ગયો હતો અને ત્યાંથી ઉત્તર
પ્રદેશના આગરા દિલ્હી તેમજ અલગ અલગ સ્થળોએ લઈ જઈને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર
ગુજાર્યો હતો. એટલું જ નહીં આ યુવાન દ્વારા પંદર દિવસ બાદ સગીરાને લઈને પરત ફર્યો
ત્યારે કલોલના નર્મદા કેનાલ પાસે
ખેતરમાં લઈ જઈને ફરીવાર દુષ્કૃત્ય આચર્યું હતું. જે સંદર્ભે
માણસા પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતા દ્વારા આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો
હતો. જે કેસ ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજશ્રી એસ.ડી મહેતાની કોર્ટમાં ચાલ્યો
હતો. જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ પંડયા દ્વારા ભોગ બનનાર અને સાહેદોની જુબાની
લેવામાં આવી હતી અને દલીલ કરવામાં આવી હતી કે, આરોપીએ ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે. આવા કેસમાં સખતમાં
સખત સજા થવી જોઈએ. સમાજમાં દાખલો બેસે તે પ્રકારે અને આવા ગુનાઓ બનતા અટકે તે માટે
આરોપીને કાયદામાં દર્શાવેલી સજા કરવી જોઈએ.
જેના પગલે કોર્ટ દ્વારા આ ગુનાના આરોપી કરણજી ભીખાજી ઠાકોરને ૨૦ વર્ષની સખત
કેદની સજા ફટકારવામાં આવી હતી તેમજ ૧૦ હજાર રૃપિયા દંડ ભરવા પણ હુકમ કરવામાં આવ્યો
હતો.