મહુવાના ડિહાઈડ્રેશનના વેપારી સાથે છેતરપિંડી આચરનાર બે દિવસના રિમાન્ડ પર
- દેવું થઈ જતાં ફોરેન ટ્રેડનું લાઈસન્સ અન્ય વેપારીને બારોબાર વેચ્યું હતું
- પોરબંદરના શખ્સે મહુવાના અન્ય એક વેપારી સાથે પણ ઠગાઈ કરી હતી, જેનો ચેક બાઉન્સનો કેસ પણ ચાલી રહ્યો છે
ભાવનગર : મહુવાના ડિહાઈડ્રેશનના વેપારી સાથે ૮.૩૮ લાખની છેતરપિંડી આચનાર પોરબંદરના શખ્સ વિરૂદ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ મહુવા પોલીસે ફોરેન ટ્રેડના લાઈસન્સના કન્સલ્ટિંગનું કામ કરતા શખ્સની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. પ્રાથમિક તપાસમાં આરોપી માથે દેવું થઈ જતાં ખોટી સહી અને લેટરપેડની મદદથી લાઈસન્સની સ્ક્રીપ વેચી હતી. જ્યારે આ શખ્સે મહુવાના અન્ય વેપારી સાથે પણ આવી ઠગાઈ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
મહુવાની બુરહાની સોસાયટીમાં રહેતા મુર્તુજાભાઈ હાતિમભાઈ છતરિયાએ મહુવા પોલીસ મથકમાં જીતેન્દ્ર રણછોડભાઈ પાંજરી (રહે.રાજીવનગર, પોરબંદર) વિરૂદ્ધ નિકાસના વ્યવસાય માટે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ રાજકોટ તરફથી ફોરેન ટ્રેડ પોલીસી ૨૦૧૫-૨૦૨૦ અંતર્ગત લાઈસન્સની જરૂરિયાત હોય, આ લાઈસન્સ ટ્રાન્સફરેબલ હોય છે અને આ લાઈસન્સ મેળવવા માટે તેઓ ઘણાં સમયથી જીતેન્દ્ર રણછોડભાઈ પાંજરીને કામગીરી સોંપતા હતા અને તેમને વિશ્વાસમાં લઈને તેમની ખોટી સહી અને લેટરપેડના આધારે તેમની લાઈસન્સ સ્ક્રીપ અન્યને વેચી દઈ રૂ.૮,૩૮,૦૧૭ની છેતરપિંડી આચર્યાંની ફરિયાદ ગત શુક્રવારે મોડી રાત્રે નોંધાવી હતી. જેના આધારે મહુવા પોલીસે ગત શુક્રવારે રાત્રિના ૧૦ કલાકના અરસામાં ઉક્ત જીતેન્દ્ર રણછોડભાઈ પાંજરી (રહે.રાજીવનગર, પોરબંદર)ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા. પ્રાથમિક તપાસમાં ફોરેન ટ્રેડનું લાઈસન્સના કન્સલ્ટિંગનો વ્યવસાય કરતા ઉક્ત જીતેન્દ્ર પાંજરીની માથે દેવું થઈ જતાં તેણે આ લાઈસન્સ બારોબાર અન્યને વેચી દીધાંની કબૂલાત પોલીસ સમક્ષ આપી હતી.
મહુવાના અન્ય એક વેપારી સાથે પણ આવી છેતરપિંડી આચરી હતી
પોલીસ તપાસમાં પોરબંદના જીતેન્દ્ર પાંજરીએ મહુવાના અન્ય એક ડિહાઈડ્રેશનના વેપારી સાથે પણ આવી રીતે છેતરપિંડી આચરી હતી પરંતુ જે-તે વખતે આ શખ્સે તેને સોગંદનામું કરીને નિયતસમયમાં પૈસા આપી દેવાની બાહેંધરી આપી ચેક આપ્યા હતા પરંતુ તે ચેક બાઉન્સ થતાં ઉક્ત પોરબંદરના શખ્સ વિરૂદ્ધ ચેકબાઉન્સનો કેસ પણ ચાલતો હોવાનું પોલીસ તરફથી જાણવા મળ્યું છે.