વલસાડની ચોંકાવનારી ઘટના: શિવલિંગ પર જળાભિષેક વખતે આધેડને આવ્યો હાર્ટ એટેક, ઘટના CCTVમાં થઈ કેદ
Death Due To Heart Attack In Valsad: વલસાડમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પૂજા કરી રહેલા વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી. આ ઘટના પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિરમાં બની હતી.
ઘટના સીસીટીવીમાં કેદ
મળતી માહિતી અનુસાર, હાર્ટ એટેકથી મૃત્યુ પામનાર વ્યક્તિની ઓળખ કિશોર પટેલ તરીકે થઈ છે. ઘણાં સમયથી કિશોર પટેલ દરરોજ પારનેરા ડુંગર પર ચઢીને મહાદેવ મંદિર પરિસરમાં આરતી માટે જતા હતા. રોજની જેમ મંગળવારે (19મી નવેમ્બર) પણ સવારે કિશોરભાઈ મહાદેવની આરતી કર્યા બાદ શિવલિંગ પર અભિષેક કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો, જેના કારણે તેમનું મૃત્યુ થયું.
હાર્ટ એટેકના કારણે કિશોર પટેલ જમીન પર પડી જાય છે. આ દરમિયાન ત્યાં હાજર અન્ય લોકો તેને CPR આપી રહ્યા છે. પરંતુ ત્યાં સુધીમાં તે મૃત્યુ પામે છે.
હાર્ટ એટેકથી બચવા શું કરવું જોઈએ
હેલ્થ એક્સપર્ટના મતે કસરત, ડાયટ, ઊંઘનો અભાવ, સ્ટ્રેસ, બ્લડ પ્રેશર, શુગર પણ હૃદય પર અસર કરે છે. આવી સ્થિતિમાં નિયમિત કસરત કરવા સિવાય જો તમે પૂરતી ઊંઘ, બ્લડ પ્રેશર, શુગર, સ્ટ્રેસ અને ડાયટ પ્રત્યે બેદરકારી દાખવશો, તો પણ હાર્ટ એટેકનો ખતરો રહે છે. તેથી આ બધી બાબતો પર ધ્યાન આપી હૃદયને સ્વસ્થ રાખી શકાય છે.