વિદ્યાર્થિની ઉપર બળાત્કારના કેસમાં શખ્સને 20 વર્ષની કેદ
- 5 વર્ષ પૂર્વે ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું
- અસરકારક દલીલો, આધાર-પુરાવા અને સાક્ષી વગેરેને ગ્રાહ્ય રાખી કોર્ટે સજા અને દંડનો હુકમ કર્યો, ભોગગ્રસ્તને છ લાખનું વળતર ચુકવાશે
શહેરના ગોળીબાર હનુમાનજી મંદિરની બાજુમાં શાંતિનાથ એપાર્ટમેન્ટ, રૂમ નં.૩૮માં રહેતો અંકીત દીપકભાઈ દોશી નામના શખ્સે સવા પાંચ વર્ષ પૂર્વે ધો.૧૦માં અભ્યાસ કરી રહેલી એક સગીરાને તેના માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપી અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બનાવ અંગે ગત તા.૧૧-૦૯-૨૦૧૯ના રોજ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે અંકિત દોશી નામના શખ્સની ધરપકડ કરી જરૂરી તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. દરમિયાન આજે સોમવારે આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડીશિનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એમ.બી. રાઠોરની કોર્ટમાં ચાલી જતાં મદદનીશ જિલ્લા સરકારી વકીલ જે.એ. પંડયાની અસરકારક દલીલો, આધાર-પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી આરોપી અંકિત દોશી સામે આઈપીસી ૩૭૬ (ર) (એફ) (એન), ૫૦૬ (ર), પોક્સો એક્ટની કલમ ૬ ગુના સાબીત માની પોક્સો એક્ટની કલમ ૬ અન્વયે ૨૦ વર્ષ સખત કેદની સજા, રૂા.૫૦ હજારનો રોકડ દંડ ફટકાર્યો છે. તેમજ ભોગગ્રસ્તને છ લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો હતો.