Get The App

જામનગરમાં માથાભારે શખ્સ દ્વારા પૈસાની ઉઘરાણી મામલે મહિલાના ઘરમાં હંગામો : મકાનનું તાળું તોડી દાગીના ઉઠાવી ગયાની ફરિયાદ

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
જામનગરમાં માથાભારે શખ્સ દ્વારા પૈસાની ઉઘરાણી મામલે મહિલાના ઘરમાં હંગામો : મકાનનું તાળું તોડી દાગીના ઉઠાવી ગયાની ફરિયાદ 1 - image

Jamnagar : જામનગર નજીક ગોરધનપર ગામમાં રહેતી એક મહિલાએ પોતાના મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી લઇ ટીવી, ફ્રીજ, એસી વગેરે તોડી નાખી નુકસાન પહોંચાડવા અંગે તેમજ મકાનમાંથી રૂપિયા 55,000 ના ઘરેણા ઉઠાવી જવા અંગે જામનગરના નીલકમળ સોસાયટીમાં રહેતા એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. 20 હજાર રૂપિયાની ઉઘરાણીના પ્રશ્ને મહિલા તથા તેના પતિને ફોન પર વારંવાર ધમકી આપી પૈસા કઢાવવા આકૃત્ય કર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક ગોરધન પર ગામમાં ગોરધન ગ્રીન સોસાયટીમાં રહેતી સાક્ષીબેન હિતેશભાઈ પિત્રોડા નામની 42 વર્ષની મહિલાએ પોતાના ઘરના તાળા તોડી અંદર પ્રવેશ મેળવી લઇ મકાનમાં તોડફોડ કરી ટીવી, ફ્રીઝ, એ.સી. વગેરે ઉપકરણો તોડી નાખી નુકસાન પહોંચાડવા અંગે, તેમજ મકાનમાં રાખેલા રૂપિયા 55,000 ની કિંમતમાં ઘરેણાની ચોરી કરી જવા અંગે જામનગરના નિલકમલ સોસાયટી વિસ્તારમાં રહેતા અનિરુદ્ધસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી સાક્ષીબેનના પતિ હિતેશભાઈ, કે જેઓએ એક ખાનગી કંપનીમાં ફેબ્રીકેશનનું કામ રાખ્યું હતું, જે કામ આરોપી અનિરુદ્ધસિંહ પરમારના સંપર્ક પછી કંપનીના અધિકારીઓ મારફતે મળ્યું હતું. જે કામ દરમિયાન અનિરુદ્ધસિંહ પરમાર પાસેથી 20 હજાર રૂપિયાની રકમ હાથ ઉછીની લીધી હતી. જે રકમ કામ પૂરું થયા બાદ આપવાની વાત હતી, અને ત્યાં સુધી બેંકના વ્યાજ પ્રમાણેનું વ્યાજ ચૂકવવાનું નક્કી થયું હતું. પરંતુ અનિરુદ્ધસિંહએ તાત્કાલિક પૈસાની માંગણી કરી હતી, અને પતિ હિતેશને મોબાઈલ ફોનમાં ગાળો આપી હતી, જેથી તેણે પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કર્યો હતો. ત્યારબાદ અનિરુદ્ધસિંહ પરમારએ સાક્ષીબેનના મોબાઈલમાં ફોન કરીને ધમકાવવાનું શરૂ કર્યું હતું. તેણે પૈસાની માંગણી કરતા એકાદ દિવસમાં મેળ કરીને પહોંચાડવાની વાત કરતા અનિરુદ્ધ પરમાર ઉશ્કેરાયો હતો, અને સાક્ષીબેનને પણ ફોનમાં ગાળો આપી હતી. અને તેમનું ઘર બંધ હતું, તેમ છતાં ઘરની બહાર પહોંચી ગયો હતો. અને મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને ટીવી, ફ્રીજ, એ.સી. વગેરે ઉપકરણોમાં તોડફોડ કરી નાખી હતી અને 55,000 ના ઘરેણાં ઉઠાવી ગયો હતો. જેથી આ મામલો સિક્કા પોલીસ મથકમાં લઈ જવાયા પછી પોલીસે અનિરુદ્ધસિંહ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News