રૂા. 12.90 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાણાવાવનો શખ્સ ઝડપાયો
રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પરથી : આરોપી અગાઉ 2વખત ડ્રગ્સના કેસમાં જામનગરમાં પકડાઈ ચૂકયો છે, કાર ભાડાની નીકળી
રાજકોટ, : રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પરથી એસઓજીએ રૂા. 12.89 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાણાવાવના મુસ્તાક રજાક શેખ (ઉ.વ. 33)ને ઝડપી લીધો હતો. આરોપી આ અગાઉ બે વખત ડ્રગ્સ સાથે પકડાઈ ચૂકયો છે. કયાંથી ડ્રગ્સ લઈને આવ્યો હતો તે સહિતના મુદ્દે હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
એસઓજીના પીઆઈ એસ.એમ. જાડેજાએ ચોકકસ બાતમીના આધારે નવા 150 ફૂટ રિંગ રોડ પર વર્ધમાન એવન્યુ એપાર્ટમેન્ટના ગેઈટ પાસેથી ટીગોર કારમાં પસાર થયેલા આરોપીને અટકાવી તલાશી લેતાં તેની પાસેથી 128.9ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત એક મોબાઈલ ફોન, કાર અને રોકડા રૂા. 1500 મળી કુલ રૂા. 17.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે આરોપી 2018ની સાલમાં જામનગરના બી-ડિવીજન અને 2023ની સાલમાં જામનગરના એ-ડિવીઝન પોલીસ મથકમાં માદક પદાર્થના કેસમાં જ પકડાઈ ચૂકયો છે. આ બંને કેસમાં તે 18 મહિના અને 9 મહિના જેલમાં પણ રહી ચૂકયો છે. આમ છતાં તેણે ડ્રગ્સનો વેપલો બંધ કર્યો ન હતો. આરોપી ડ્રગ્સ લઈ કયાંથી આવતો હતો, કોને આપવા જતો હતો, કોની પાસેથી ડ્રગ્સ લઈ આવ્યો તે સહિતના મુદ્દે હવે પોલીસ તપાસ કરશે. જેમાં નવા ખુલાસા થવાની સંભાવના છે. આ અંગે ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં એસઓજીએ ગુનો દાખલ કરાવ્યો હતો. આરોપી પાસે જે કાર હતી તે તેણે ભાડે લીધાનું એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું.