ઇડરના યુવકો પાસેથી 30 લાખ પડાવનાર કપડવંજના શખ્સને 11 વરસની કેદ
ઇડરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટનો ચૂકાદો
આર્મી અને રેલવેમાં નોકરી અપાવવાના બહાને યુવકો પાસેથી રૂપિયા ખંખેરી લેતા વર્ષ ૨૦૨૧માં ફરિયાદ કરાઇ હતી
કપડવંજની શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં રમેશ બાબુ વાળંદ નામના શખ્સે ઇડરના ત્રણ જેટલા યુવકોને આર્મી અને રેલવેમાં નોકરી આપવાની લાલચ આપી હતી. જેના માટે આ શખ્સે આર્મી અને રેલવેના સહી સિક્કા વાળા ખોટા વર્ક ઓર્ડરો બનાવી આ ઓર્ડર સાચા હોવાનો ભરોસો આપી વિશ્વાસમાં લીધા હતા.
બાદમાં આ શખ્સે નોકરીને બહાને ફરિયાદી પાસેથી ૭.૫૦ લાખથી વધુ ધુ્રમિલ સોની પાસેથી બીજા ૭.૫૦ લાખ અને તુષાર પરમાર પાસેથી ૧૫ લાખ મળી ૩૦ લાખ રૂપિયા નોકરી આપવાના બહાને મેળવી લીધા હતા.
આ બાબતે આર્મી કે રેલવે વિભાગની નોકરી ન મળતા પૈસા આપનાર યુવકોએ વારંવાર ફોનથી અને રૂબરૂ કપડવંજના શખ્સનો સંપર્ક કર્યો હતો. વારંવાર કહેવા છતાં નોકરીનું કોઈ ઠેકાણું ન પડતાં ભોગ બનનાર ૩ પૈકી એક યુવકે ૨૦૨૧ માં કપડવંજના શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
આ કેસ ઇડરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પી.બી. દવેએ રજૂ કરેલા લેખિત અને મૌખિક પુરાવા અને દલીલોને માન્ય રાખી ઇડરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.જે. પરમારે નોકરી આપવાના બહાને ઠગાઇ આચરનાર કપડવંજના રમેશ બાબુ વાળંદને ૧૧ વર્ષની સજાનો આદેશ કર્યો છે.