Get The App

જામનગરના ભેજાબાજ શખ્સે રેલવેમાં ટેન્ડર ભરવાના નામે કેટરર્સના ધંધાર્થીને 6 લાખનો ચૂનો લગાવ્યો

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
જામનગરના ભેજાબાજ શખ્સે રેલવેમાં ટેન્ડર ભરવાના નામે કેટરર્સના ધંધાર્થીને 6 લાખનો ચૂનો લગાવ્યો 1 - image


Jamnagar Fraud : જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા એક પર પ્રાંતિય યુવાન જામનગરના જ એક કુંડાળિયા શખ્સની જાળમાં ફસાયા છે અને રેલવેમાં ટેન્ડર ભરવાના બહાને ગોલ્ડ લોન મારફતે રૂપિયા 6 લાખ મેળવી લીધા બાદ નાણા પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા મૂળ કેરળ રાજ્યના વતની સુરેશકુમાર ભાસ્કરન નામના 56 વર્ષના કેટરર્સ યુવાને જામનગરના મયુર નગર વિસ્તારમાં રહેતા વિજયસિંહ વાળા નામના કુંડાળીયા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી સુરેશભાઈ પાસેથી આરોપી વિજયસિંહ વાળાએ અગાઉ રેલવેમાં ટેન્ડર ભરવા માટે રૂપિયા 6 લાખ માંગ્યા હતા, તે 6 લાખ રૂપિયાની રકમ ફરિયાદીએ ગોલ્ડ લોન કરાવીને આપી હતી. જામનગરમાં ડી.કેવી કોલેજ રોડ પર આવેલી એક ખાનગી ગોલ્ડલોનની કંપનીમાંથી પોતાનું સોનું ગીરવે મૂકીને ગોલ્ડ લોન કરાવી આપી હતી. જેના ત્રણેક મહિનામાં 6 લાખ રૂપિયા ચૂકવી દેવાનું વિજયસિંહ વાળાએ જણાવ્યું હતું.

પરંતુ લાંબો સમય વીતી ગયો હોવા છતાં રૂપિયા પરત આપ્યા ન હતા, અને ફરીયાદી સુરેશ ભાસ્કરને આરોપી વિજયસિંહ વાળાની તપાસ કરાવતાં ઉપરોક્ત વ્યક્તિ કુંડાળીયો હોવાનું અને અન્ય લોકોને પણ પોતાની સાથે ચીટીંગ કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી આખરે મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને કુંડાળિયા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ 420 મુજબ ગુનો નોંધી અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News