ધ્રાંગધ્રાના દુદાપુરના શખ્સ પર લોખંડની ટામી વડે હુમલો
- મજૂરોને ટ્રકમાં બેસાડવાના મનદુઃખમાં
- ઇજાગ્રસ્તને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયો : એક સામે ગુનો
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના રામદેવ૫ુર ગામ પાસે આવેલી એક હોટલના કંમ્પાઉન્ડમાં મજુરોને ટ્રકમાં બેસાડવા બાબતનું મનદુઃખ રાખી એક શખ્સને લોખંડની ટામી વડે મારમારી ગંભીર ઈજા પહોંચાડયાની ફરિયાદ એક વ્યક્તિ સામે ધ્રાંગધ્રા તાલકુા પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
ધ્રાંગધ્રાના દુદાપુર ગામે રહેતા અને મજુરીકામ કરતા ફરિયાદી રોહિતભાઈ રમેશભાઈ દાદરેસાના નાનાભાઈ રાહુલ રામદેવપુર ગામ પાસે આવેલી સંધ્યા હોટલના કંમ્પાઉન્ડમાં ટ્રકનું ટાયર ખોલી રહ્યો હતો. તે દરમિયાન રામદેવપુર ગામમાં જ રહેતા શખ્સ જીજ્ઞોશભાઈ નાગરભાઈ કોપણીયાએ કારમાં આવી ફરિયાદીના ભાઈને લોખંડની ટામી વડે બરડા તેમજ ડાબા હાથે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. બનાવ બાદ ફરિયાદીના ભાઈને સારવાર અર્થે ધ્રાંગધ્રા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. જે અંગે ફરિયાદીએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે જીજ્ઞોશભાઈ નાગરભાઈ કોપણીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. જ્યારે પ્રાથમિક તપાસમાં ફરિયાદીના ભાઈને મજૂરો ટ્રકમાં બેસાડવા બાબતનું મનદુઃખ રાખી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું.