વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં ઇન્ટર્નશિપ કરતા યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો
Vadodara : વાઘોડિયા રોડ પર નાસ્તો કરવા માટે ગયેલા પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ બાઇક ચલાવવાની ના પાડતા તેને મિત્રે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ધકકો મારતા નીચે પડી જવાના કારણે માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી યુવકે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મૂળ દાહોદના જિલ્લાના ચંદવાણા ગામના અનેહાલમાં વાઘોડિયા રોડ પર આવેલી વૈકુઠ 1 સોસાયટીમાં રહેતા વૈભવ પ્રતાપસિંહ લબાનાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હું પારૂલ યુનિવર્સિટીમાં બીએએમએસમાં ઇન્ટર્નસીપ કરું છુ. 15 જાન્યુઆરીના રોજ સાંજના છ વાગે હું અંકિત તથા તેના મિત્ર મળીને ત્રણ જણા રાત્રીના પોણા નવ વાગ્યાના અરસામાં પરિવાર ચાર રસ્તા પાસે આવ્યા હતા અને બેચલર કિચન કાફેમાં ચા નાસ્તો કરવા માટે બેઠા હતા ત્યારે મારા મિત્ર જતીન તિવારી (રહે.તિલકનગર આજવા રોડ) પણ તેના મિત્રો સાથે ત્યાં આવ્યો હતો. ચા નાસ્તો કર્યા બાદ અમે બહાર નીકળ્યા હતા ત્યારે મેં જતીનને તેની બાઇક ચલાવવા માટેની ના પાડતા જતીન મારા પર ગુસ્સે થયો ગયો હતો અને મને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ ધક્કો મારી દેતા હું નીચે પડી ગયો અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ જતીન તેના મિત્રો સાથે જતો રહ્યો હતો. મને સારવાર માટે સવિતા બાદ સંજીવની હોસ્પિલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે જતીન તિવારી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.