Get The App

પાટડી શહેરી વિસ્તારમાં દોઢ મહિના પહેલા થયેલ અકસ્માતમાં યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
પાટડી શહેરી વિસ્તારમાં દોઢ મહિના પહેલા થયેલ અકસ્માતમાં યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું 1 - image


- અકસ્માતમાં મોત નીપજ્યું હોવા છતાં સ્થાનીક પોલીસ દ્વારા ગુનો નોંધવામાં ન આવતા ચર્ચાઓ

- હિટ એન્ડ રનની ઘટના સીસીટીવી સામે બની હોવા છતાં પોલીસ દ્વારા કાર્યવાહી ન કરાઈ

- મૃતક યુવકના પરિવારજને અકસ્માત બાદ આપેલ અરજી બાદ પોલીસે સહી કરાવી લીધી હોવાનો આક્ષેપ

- અકસ્માત સર્જનાર વાહનચાલક સામે ગુન્હો નોંધવાની માંગ

સુરેન્દ્રનગર : દસાડા તાલુકાના પાટડી ખાતે દોઢ મહિના પહેલા હિટ એન્ડ રનમાં ઇજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત નિપજ્યું હતું. અકસ્માતના બીજે દિવસે પીડિતના પરિવારે રોજ પાટડી પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ લેખિત અરજી આપી હતી. તેમ છતાંય પાટડી પોલીસ દ્વારા અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધવામાં ન આવતા પોલીસની કામગીરી સામે ચર્ચાઓએ જોર પકડયું છે.

પાટડી શહેરી વિસ્તારમાં શંકરપરા ગેઈટ પાસે ગત ૧૫મી નવેમ્બરના રોજ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં  વિજય બારોટ નામનો યુવક ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત વિજય બારોટને સારવાર અર્થે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઘરે પરત લાવવામાં આવ્યો હતો. આ મામલે ઇજાગ્રસ્ત વિજય બારોટના પરિવારે ૧૬મી નવેમ્બરના રોજ પાટડી પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ લેખિત અરજી આપી હતી. 

બીજી તરફ ઈજાગ્રસ્ત વિજય બારોટની તા.૧૯ નવેમ્બરના રોજ તબિયત લથડતા સારવાર અર્થે અમદાવાદ અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો પરંતુ તબિયત વધુ લથડતા થાનની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં વિજય બારોટનું મોત નિપજ્યું હતું. આ મામલે મૃતક વિજય બારોટના ભાઈ દિનેશ બારોટ દ્વારા અકસ્માત સર્જનાર વાહનચાલક સામે ગુનો દાખલ કરવા પાટડી પોલીસ મથકે અનેક વખત ધક્કા ખાવા છતાં પાટડી પોલીસે ગુનો દાખલ કર્યો નહોતો. મૃતકના વિજયના ભાઈ દિનેશ બારોટની સહિ કરાવી ગુનો દાખલ કરવા માંગતા નથી તેવું નિવેદન લઈ અકસ્માતમાં મોત નિપજ્યું હોવા છતાં પોલીસ દ્વારા મામલો રફેદફે કરી દેવામાં આવ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. 

અકસ્માતના બીજે દિવસે જ લેખિત અરજી આપવા છતાં પાટડી પોલીસ દ્વારા કાર્યવાહી કરી નહોતી તેમજ મૃત્યુ નિપજ્યું હોવા છતાં અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ ન કરતા પાટડી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. સામાન્ય રીતે અકસ્માતના બનાવમાં જો કોઈ ફરિયાદ દાખલ ન કરે તો પોલીસ પોતે જ ફરિયાદી બની શકે તેવી જોગવાઈ હોવા છતાં હિટ એન્ડ રન બનાવમાં મોત નીપજ્યું હોવા છતાં પાટડી પોલીસ ફરિયાદી ન બની અને સમગ્ર બનાવ ફાઈલ કરી દેતા અનેક સવાલો ઉભા થયા છે. મૃતકના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી સારવાર કરાવી શક્યા નથી. તેમજ અકસ્માતના સીસીટીવીમાં ટ્રકચાલક દ્વારા અકસ્માત સર્જયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે છતાં પોલીસ દ્વારા વાહનચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. ત્યારે આ મામલે ઉચ્ચકક્ષાએથી તપાસ હાથધરવામાં આવે અને અકસ્માત સર્જનાર વાહનચાલક સામે ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.



Google NewsGoogle News