Get The App

રાજકોટની હચમચાવતી ઘટના : ચાલુ ટ્રેનમાંથી મુસાફરે પાણીની બોટલ ફેંકી, તરુણને છાતીમાં વાગતા મોત

Updated: Apr 2nd, 2025


Google News
Google News
રાજકોટની હચમચાવતી ઘટના : ચાલુ ટ્રેનમાંથી મુસાફરે પાણીની બોટલ ફેંકી, તરુણને છાતીમાં વાગતા મોત 1 - image


Rajkot News :  રાજકોટના શાપરમાંથી ગઈ કાલે પસાર થયેલી ટ્રેનમાં સવાર એક મુસાફરે જોરથી બહાર પાણીની બોટલ ફેંકી હતી, જે સીધી છાતીમાં વાગતાં તરૂણ મૃત્યુ નીપજયું હતુ. શાપર પોલીસે અજાણ્યા મુસાફર સાથે બેદરકારીથી મૃત્યુ નીપજાવવાની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશનાં સંતોષભાઈ ગોડઠાકર શાપરનાં ગણેશનગર વિસ્તારમાં રહે છે અને કારખાનામાં મજૂરી કરે છે. તેનો 14 વર્ષનો પુત્ર બાદલ ગઈકાલે બપોરે અન્ય ચારથી પાંચ મિત્રો સાથે શાપરમાં આવેલા મસ્કત ફાટક તરીકે ઓળખાતા વિસ્તારમાં ગયો હતો, જયાંથી પસાર થતાં રેલવે ટ્રેક નજીક બાદલ અને તેનાં મિત્રો બેઠા હતાં. બપોરે પોણા ત્રણ વાગ્યાની આસપાસ વેરાવળ - બાંદ્રા ટ્રેઈન પસાર થઈ હતી. જેમાં બેઠેલા અજાણ્યા મુસાફરે જોરથી પાણીની બોટલ બહાર ફેંકી હતી. જે સીધી બાદલની છાતીનાં ભાગે વાગતાં તે ત્યાં જ ઢળી પડયો હતો.

તેને તત્કાળ શાપરનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો હતો. જયાં ફરજ પરનાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જાણ થતાં શાપર પોલીસ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલ પહોંચી હતી.

શરૂઆતમાં પોલીસને હાર્ટએટેકથી મોત નીપજવાની શંકા ગઈ હતી. જેનું સમાધાન કરવા પોલીસે સીસીટીવી ફૂટેજ જોતા ચાલુ ટ્રેનમાંથી એક મુસાફરે ફેંકેલી પાણીની બોટલ છાતીમાં વાગતા બાદલ ઢળી પડયાનું જોવા મળ્યું હતું. 

જેથી શાપર પોલીસે રાજકોટમાં ફોરેન્સિક નિષ્ણાંત તબીબો પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમણે એવો અભિપ્રાય આપ્યો હતો કે હૃદયનો ભાગ ખૂબ જ સંવેદનશીલ હોય છે. જયાં કોઈ વજનદાર વસ્તુ પ્રેશરથી વાગે તો મૃત્યુ થઈ શકે છે. આ કિસ્સામાં પણ તેમ જ થયાનું જણાય છે. પરિણામે શાપર પોલીસે અજાણ્યા મુસાફર સાથે બેદરકારી દાખવી, મૃત્યુ નિપજાવાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપી મુસાફરની ઓળખ મેળવવા પોલીસે તજવીજ શરૂ કરી છે. મૃતક બાદલ ધો.5માં અભ્યાસ કરતો હતો.

Tags :