યુવતીની કંપનીના ડોક્યુમેન્ટ મેળવી લઇ શખ્સ દ્વારા છેતરપિંડી આચરાઇ
- એનર્જી ડ્રિંક્સનો ઓર્ડર આપવાના બહાને
ગાંધીનગર : ન્યુ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં રહેતી અને ફુડ પ્રોડક્ટ્સનો વ્યવસાય કરતી યુવતીને એનર્જી ડ્રિંક્સનો મોટો ઓર્ડર આપવાની વાત કરવાની સાથે ઓનલાઇન પેમેન્ટ કરી દેવાના બહાને તેની પાસેથી કંપનીના ડોક્યુમેન્ટ્સ મેળવી લઇને અજાણ્યા શખ્સ દ્વારા છેતરપિંડી આચરવામાં આવ્યાની ફરિયાદ નોંધાવાઇ છે. આરોપી દ્વારા ફરિયાદીના દિવંગત પિતાનાં નામનો દુરૂપયોગ કરાયાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
ફરિયાદી યુવતીના દિવંગત પિતાના નામનો દુરપયોગ કરીને અજાણ્યા શખ્સે કંપનીના નામે લોકોને છેતર્યાનો પણ આરોપ
કુડાસણમાં શ્રીનાથ હોમ્સમાં રહેતી અને પીડીપીયુ રોડ પર પ્રમુખ કોર્પોરેટમાં આવેલી દુકાનમાંથી શ્રી ઉજેણીયા એન્ટરપ્રાઇઝ નામથી ફ્રુડ પ્રોડક્ટ્સનું વેચાણ કરતી ફોરમબેન નામની યુવતીએ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યા પ્રમાણે ગત જાન્યુઆરીમાં તેને ફોન કરીને આરોપીએ વી. આર. ટ્રેડિંગમાંથી બોલુ છું. મારે એનર્જી ડ્રિંક્સના ૨૦૦ બોક્સ જોઇએ છે, તેવી વાત કરી હતી. મોટો ઓર્ડર હોવાથી ફરિયાદીએ તેની સાથે આગળના દિવસોમાં પણ ફોન આવે ત્યારે સંવાદ કર્યો હતો. તે દરમિયાન આરોપીએ ઓનલાઇન પેમેન્ટ કરશે તેમ જણાવીને ફરિયાદીના વ્યવસ્યા સંબંધેના તમામ દસ્તાવેજો મેળવી લીધા હતાં. બાદમાં તેણે ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું હતું. દરમિયાન હિતેશ નામનો શખ્સ મળવા આવ્યો હતો. તેણે ફરિયાદીને તમારા પતિ દિલીપભાઇ સાથે ઓર્ડરની વાત થઇ છે.
તેમ જણાવતા ફરિયાદીને દાળમાં કાળુ હોવાનું જણાયુ હતું. કેમ કે દિલીપભાઇ તેના પતિ નહીં પરંતુ પિતા હતાં અને તેઓનું અવસાન થઇ ચૂક્યું છે. જેના પગલે પ્રથમ ફોન કરનાર સાથે વાત કરાવવાનું કહેતાં વી. આર. ટ્રેડિંગના નામે વાત કરનારા અજાણ્યા શખ્શે મનફાવે તેમ બોલી તું મારૂ કંઇ બગાડી નહીં શકે તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો.