ગઢડાના ગાળા ગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો
- દારૂનો જથ્થો આપનાર સહિત બે શખ્સ ફરાર
- બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ છે વિદેશી દારૂ કાર મોબાઈલ મળી કુલ રૂ. 2.94 લાખનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : ગઢડાના ગાળા ગામ નજીકથી વિદેશી દારૂ ઉપર રહેલી કાર સાથે એક શખ્સને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો જ્યારે કારમાં સવાર અન્ય એક શખ્સ અંધારાનો લાભ લઇ નાસી છૂટયો હતો.
બનાવની વિગત એવી છે કે, બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે,આલકુ રાણીંગભાઇ ગોવાળીયા (રહે.ગાળા ) તુરખા ગામ તરફથી સફેદ કલરની સ્વીફ્ટ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ગાળા ગામે આવનાર છે. જે બાતમી આઘારે એલસીબીની ટીમ ગાળા જવાના રસ્તે વોચમાં હતા. તે દરમ્યાન આવી રહેલી કાર નંબર જીજે ૧૮ બીએસ ૫૨૯૭ ને શંકાના આધારે અટકાવી હતી.જો કે, પોલીસને જોઈ કારમાં ચાલકની બાજુમાં બેઠેલ શખ્સ અંધારાનો લાભ લઇ નાસી છૂટયો હતો.જયારે, પોલીસે કાર ચાલક શ્રવણ બાબુલાલ ભાદુ (બિશ્નોઈ) (ઉ.વ. ૧૮ રહે. બાસલા તા.સેડવા થાણા ,ધોરીમના જી.બાડમેર) ને કારમાંથી ઉતારી કારની તલાશી લીધી હતી. જેમાં વદેશી દારૂની ૩૦૬ બોટલ કિંમત રૂ.૯૧,૮૦૦ મળી આવતા પોલીસે કારચાલક પ્રપ્રાંતિય શખ્સને દારૂ,કાર,મોબાઈલ મળી કુલ રૂ. ૨,૯૪,૮૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે ઝડપાયેલાં શખ્સની પૂછપરછ કરતા તેને આ દારૂનો જથ્થો પ્રવિણ સીદરામ ભાદુ નામના શખ્સે આપ્યો હોવાની કબૂલાત આપી હતી. જેના પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગઢડા પોલીસ મથકમા ઝડપાયેલાં કારચાલક સહિત ત્રણ શખ્સ વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી ફરાર કારમાં સવાર અને દારૂનો જથ્થો આપનાર શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.