આઈપીએલ ક્રિકેટ પર ઓનલાઈન સટ્ટો રમાડતા એક શખ્સ પકડાયો
ગાંધીનગર નજીક આવેલા વાવોલમાં
દસ લાખ રૃપિયામાં આઈડી ખરીદીને રમવા આપનાર પેથાપુર ગામના બે શખ્સોની પોલીસ દ્વારા શોધખોળ
ગાંધીનગર: આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટને પગલે ગાંધીનગરમાં પણ સટ્ટાની પ્રવૃત્તિ વધી છે ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા વાવોલમાં સેક્ટર ૭ પોલીસ દ્વારા દરોડો પાડીને ઓનલાઈન સટ્ટો રમાડતા એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેને આઈડી આપનાર પેથાપુરના બે શખ્સોની પણ શોધખોળ શરૃ કરવામાં આવી છે.
રાતો રાત રૃપિયા કમાવવા માટે હાલના યુવાનો ક્રિકેટ સટ્ટાની
પ્રવૃત્તિમાં સંકળાયેલા છે ત્યારે આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૃઆત થતાની સાથે જ
ગાંધીનગરમાં પણ ઠેક ઠેકાણે સટ્ટાની પ્રવૃત્તિ શરૃ થઈ ગઈ હતી. ત્યારે પોલીસ
સટોડીયાઓ અને ક્રિકેટ સટ્ટો રમતા શખ્સોને પકડવા માટે દોડી રહી છે. ત્યારે સેક્ટર ૭
પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, ન્યુ વાવોલ
સહજાનંદ સાઈ ફ્લેટ સામે યુવા ચોકમાં એક શખ્સ હાથમાં મોબાઈલ રાખીને આઈપીએલ ક્રિકેટ
મેચ ઉપર હારજીતનો સટ્ટો રમાડે છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા અહીં દરોડો
પાડવામાં આવ્યો હતો અને મોબાઈલ સાથે આ શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પૂછપરછ
કરવામાં આવતા તે રણવીરસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા રહે,બી ૫૦૪ રાજધાની રેસીડેન્સી વાવોલ હોવાનું જણાવ્યું હતું.
જેની પાસેથી રોકડ મોબાઈલ સહિતનો ૧૮ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો
હતો. જ્યારે આ સટ્ટો રમવા માટે લિંક કોની પાસેથી લીધી તે પૂછતા તેણે જણાવ્યું હતું
કે પેથાપુર ખાતે રહેતા કેવલસિંહ ઝાલા અને વિજયસિંહ વાઘેલાએ દસ લાખ રૃપિયામાં લિંક
ખરીદી હતી અને આ બંને જણાએ ફોન ઉપર ક્રિકેટ સટ્ટાનો વ્યાપાર લેવા કહ્યું હતું જેની
લેવડદેવડ તેઓ કરે છે. જેથી પોલીસ દ્વારા હાલ આ ત્રણે સામે જુગાર ધારા હેઠળ ગુનો
દાખલ કરીને ફરાર અન્ય બે શખ્સોની શોધખોળ શરૃ કરવામાં આવી છે.