ધ્રાંગધ્રાના જસમતપુર ગામે અગાઉના ઝઘડાના મનદુઃખમાં વ્યક્તિને માર માર્યો
- ઈજાગ્રસ્તે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
- એક મહિલા સહિત છ શખ્સોએ ભેગા મળી કુહાડી, લોખંડના પાઈપ અને ધારિયા વડે માર મારી ધમકી આપી
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામની સીમમાં એક શખ્સને અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી એક મહિલા સહિત છ શખ્સોએ કુહાડી, લોખંડના પાઈપ, ધારીયા જેવા હથિયારો વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી. ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રાના જસમતપુર ગામે રહેતા ફરિયાદી વિષ્ણુભાઈ ભીખાભાઈ ગડેસીયા સવારના સમયે જુના ઘનશ્યામગઢ ગામ તરફ જવાના રસ્તે પેટા કેનાલ પાસે પથ્થર તોડવાનું મજુરીકામ કરી રહ્યાં હતાં તે દરમ્યાન એક મહિલા સહિત છ શખ્સોએ આવી અગાઉ અંદાજે બે વર્ષ પહેલા કરેલ ફરિયાદનું મનદુઃખ રાખી બોલાચાલી કરી હતી અને એકસંપ થઈ ફરિયાદીને કુહાડી, લોખંડના પાઈપ, ધારીયા વડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તેમજ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે છ શખ્સો (૧) સંજયભાઈ પ્રકાશભાઈ કુડેચા (૨) ટીનાભાઈ જગદીશભાઈ કુડેચા બન્ને રહે.જસમતપુર (૩) બળદેવભાઈ ઠાકોર (૪) અક્ષયભાઈ બળદેવભાઈ ઠાકોર (૫) સુનીલભાઈ બળદેવભાઈ ઠાકોર આ તમામ રહે.કંકાવટી તા.ધ્રાંગધ્રા અને (૬) લીલીબેન સંજયભાઈ ઠાકોર રહે.નવલગઢ તા.ધ્રાંગધ્રાવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.