બજાણા નજીક હોટલના કંમ્પાઉન્ડમાંથી એમડી ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયા
- માલવણ-પાટડી હાઈવે પર નશાના કારોબારનો પર્દાફાશ
- રૂા. 29,500 ની કિંમતના એમડી ડ્રગ્સ સાથે વિરમગામના શખ્સને પોલીસે દબોચી લીધા
- સુરેન્દ્રનગર જિલ્લામાં ગાંજા અને ચરસ બાદ એમડી ડ્રગ્સનો ધંધો ફુલ્યો ફાલ્યો હોવાની ફરિયાદો ઉઠી
સુરેન્દ્રનગર : માલવણ-પાટડી હાઈવે પર નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. બજાણા નજીક ભેરૂનાથ હોટલના કંમ્પાઉન્ડમાંથી એમડી ડ્રગ્સ સાથે વિરમગામનો શખ્સ ઝડપાયા છે. રૂા.૨૯,૫૦૦ની કિંમતના એમડી ડ્રગ્સ સાથે વિરમગામના શખ્સને એસઓજી પોલીસે દબોચી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી અવાર-નવાર ગેરકાયદેસર અફીણ, ગાંજા સહિતની પ્રતિબંધીત વસ્તુઓ સાથે અનેક શખ્સો ઝડપાઈ ચુક્યા છે ત્યારે બજાણા ગામ નજીક આવેલી ભેરૂનાથ હોટલના કંમ્પાઉન્ડમાંથી ઈફતાજ ઉર્ફે નવાબ ઈસુબખાન પઠાણ (ઉ.વ.૨૨, રહે.વિરમગામ)ને એસઓજી પોલીસે ૨.૯૫ ગ્રામ એમડી ડ્રગ્સ કિંમત રૂા.૨૯,૫૦૦ તથા રોકડ રૂા.૨,૨૦૦ અને મોબાઈલ સહિત કુલ રૂા.૩૬,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. જેની વધુ પુછપરછ કરતા નિકુલ ઠાકોર ઉર્ફે પાડી વિરમગામવાળીની પણ સંડોવણી હોવાની કબુલાત કરી હતી. એસઓજી પોલીસે ઝડપાયેલ શખ્સ સહિત મુદ્દામાલ કબ્જે કરી બજાણા પોલીસ મથકે નાર્કેટીક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથધરી હતી. જ્યારે બીજી બાજુ સ્થાનીક પોલીસની જાણ બહાર એસઓજી ટીમે રેઈડ કરતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.