મૃત વ્યક્તિના નામે જમીનનો સોદો કરનાર 7 વર્ષે પકડાયો,આશ્રમનું શાક લેવા ખેતરમાં જતાં પોલીસ ખેડૂત બનીને ગોઠવાઇ
વડોદરાઃ તરસાલી વિસ્તારમાં મૃત વ્યક્તિના નામનો પાવર ઓફ એટર્ની બનાવી જમીનનો સોદો કરનાર તેમજ મૃતકના કુટુંબી પર હુમલો કરનાર ભેજાબાજને પોલીસે સાત વર્ષે ઝડપી પાડયો છે.
તરસાલી વિસ્તારમાં સાત વર્ષ પહેલાં સ્વ.નટવરભાઇ ચીમનભાઇ પટેલનો બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીનના બે સોદા કરવામાં આવ્યા હતા.જેમાં ટ્વિન્કલ નટુભાઇ ભટ્ટ(વિસ્વાસ ફ્લેટ,ગુલાબ ટાવર પાસે, થલતેજ,અમદાવાદ)એ મુખ્ય ભૂમિકા ભજવી હતી.જ્યારે તેની સાથે અન્ય આઠ લોકો પણ સંડોવાયેલા હતા.
દસ્તાવેજ વખતે રજિસ્ટ્રાર કચેરીમાં વિરોધ કરનાર મૈયત વૃધ્ધના પુત્ર અને જમાઇ પર હુમલો પણ કરવામાં આવ્યો હતો.જે બનાવ અંગે પોલીસે મકરપુરા તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બે ગુના નોંધવામાં આવ્યા હતા.
બંને ગુનામાં વોન્ટેડ ટ્વિન્કલ ભટ્ટની પોલીસે તપાસ કરતાં તે છેલ્લા કેટલાક સમયથી કપડવંજ ખાતે યોગાશ્રમમાં રહેતો હોવાની વિગતો બહાર આવી હતી.જેથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજાએ ટીમ મોકલી હતી.આ વખતે ટ્વિન્કલ આશ્રમ માટે શાક લેવા ખેતરમાં ગયો હોવાની જાણ થતાં પોલીસ ખેડૂતના સ્વાંગમાં ખેતરે પહોંચી હતી અને ટ્વિન્કલ સાથે શાકભાજી બાબતે વાત કરી તેને ઓળખ્યા બાદ ઝડપી પાડયો હતો.