ગોંડલની ધોળકિયા સ્કૂલની હોસ્ટેલમાં ઝાડા-ઊલટીથી માળિયા હાટીનાના વિદ્યાર્થીનું મોત
સ્કૂલની બેદરકારીથી મોતનો આક્ષેપ : મૃતદેહનું ફોરેન્સિક PM કરાયું : 3 દિવસથી બીમાર હોવા છતાં હોસ્ટેલ સંચાલકે કાળજી ન લેતાં મોતનો બનાવ બનતા રોષિત બ્રહ્મસમાજના ટોળાં એકત્ર થઈ જતાં પોલીસ દોડી ગઈ
ગોંડલ : ગોંડલ ની ધોળકીયા સ્કૂલમાં હોસ્ટેલમાં રહીને ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા માળીયા હાટીનાના 17 વર્ષનાં કિશોરને ઝાડા ઉલટી થયા બાદ સારવારના અભાવે મૃત્યુ નીપજતા બ્રહ્મસમાજ રોષિત બન્યો હતો. સ્કૂલ સંચાલકો દ્વારા યોગ્ય સારવાર ન અપાતા ધોળકીયા સ્કૂલનાં જવાબદારો સામે પગલા લેવા અને ફોરેન્સિક પીએમની માંગ કરતા મૃતદેહને રાજકોટ ખસેડાયો હતો. બનાવની કરૂણતા એ છે કે મૃતક કિશોર બે બહેનો વચ્ચે એકને એક ભાઈ હતો. રક્ષાબંધનનાં આગલા દિવસે જ ભાઈનું મૃત્યુ થતા કલ્પાંત છવાયો હતો અને હૈયાફાટ રૂદનથી હોસ્પિટલ ગાજી ઉઠી હતી.
પ્રાપ્ત વિગત મુજબ મુળ માળીયા હાટીના અને હાલ ગોંડલ ધોળકીયા સ્કૂલનીં હોસ્ટેલમાં રહી ધોરણ- 12 સાયન્સમાં અભ્યાસ કરતા શ્યામ લલીતભાઈ પાઠક ( ઉ.વ. 17 )ને સવારે ઝાડા ઉલ્ટીની અસર થતાં હોસ્ટેલ સંચાલક ધ્વારા ગુંદાળારોડ પર આવેલી હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. ત્યાં દવા અને બાટલા અપાયા બાદ હોસ્ટેલ પરત લવાયો હતો. દરમિયાન હાલત વધુ બગડતા ગોંડલ રહેતા કૌટુબિંક પ્રદીપભાઇ જોશી અને અમદાવાદથી આવેલા પિતરાઇ સાવનભાઈ પાઠકે રીક્ષા દ્બારા હોસ્ટેલથી ફરી હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ ડોક્ટર હાજર ના હોવાથી મેડીકેર હોસ્પિટલ ખસેડયો હતો.
પરંતુ વિદ્યાર્થીએ રસ્તામાંજ દમ તોડી દેતા આખરે મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. હોસ્પિટલ ખાતે સેવા આપી રહેલા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના અગ્રણીએ બનાવની ગંભીરતા જોઈ ગોંડલ બ્રહ્મસમાજનાં પ્રમુખને જાણ કરતા ભૂદેવ આગેવાનોે સાથે હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં કિશોરને યોગ્ય સારવાર અપાવવામાં ધોળકીયા સ્કૂલનાં સંચાલકોની ઘોર બેદરકારી સામે આવતા બ્રહ્મ સમાજનાં આગેવાનો આગબગુલા બન્યા હતા. થોડીવારમાં હોસ્પિટલે ટોળા એકત્ર થઈ ગયા હતા. માહોલ ગરમાતા પોલીસ દોડી આવી હતી.