મલાઇ પનીરનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર, ઉત્પાદક-વેપારીને રૂા. 1.65 લાખનો દંડ
- મ્યુનિ. ફૂડ વિભાગે ગત માસમાં લીધેલા તલના લાડુ, ચીકીના 15 નમૂના પાસ
- ગૃહઉદ્યોગમાંથી લીધેલો સીંગતેલનો નમૂનો પણ સબસ્ટાન્ડર્ડ જાહેર, ટીમે ચાલુ મહિનામાં ખાદ્યપદાર્થના 6 નમૂના લઈ તપાસ માટે લેબ.માં મોકલ્યાં
ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે શહેર કક્ષાએ ભાવનગર મહાપાલિકાનો ફૂડ વિભાગ સમયાંતરે નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલતું હોય છેે. અનેે રિપોર્ટના આધારે કાર્યવાહી કરતું હોય છે. મહાપાલિકાના ફૂડ વિભાગે ગત તા. પ મે,ર૦ર૩ના રોજ શહેરના દાણાપીઠમાં મહેંદી ચોકમાં આવેલ મયુર એજન્સીમાંથી ગોપી બ્રાન્ડનો મલાઈ પનીરનો ૧ કિલો પેકિંગનો નમૂનો લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યો હતો જે સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો. ત્યારબાદ આ કેસ એડજ. કોર્ટમાં ચાલી જતા કોર્ટે ઉત્પાદક કાન્તિલાલ મણીલાલ અને મયુર એજન્સીને કુલ રૂા.૧.૬પ લાખની પેનલ્ટી ફટકારી હતી. જયારે ગત તા. ૧૩ નવેમ્બર, ર૦ર૪માં આંનદનગરમાં આવેલ માહિ ગૃહ ઉદ્યોગમાંથી ફૂડ વિભાગની ટીમે સીંગતેલનો લુઝ નમૂનો લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યો હતો અને આ સીંગતેલનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે તેથી પેઢીને જવાબ રજૂ કરવા ૩૦ દિવસનો સમય આપ્યો હોવાનું મહાપાલિકાના ફૂડ વિભાગે જણાવ્યું હતું.
ઉપરાંત મહાપાલિકાના ફૂડ વિભાગે ગત જાન્યુઆરી માસમાં ફેરીયાઓ પાસેથી તલાના લાડુ અને ચીકીના ૧પ નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા પરંતુ આ નમૂનાઓ પાસ થઈ ગયા હતાં. ચાલુ ફેબુ્રઆરી માસમાં ફૂડ વિભાગે ખાદ્યપદાર્થના ૬ નમૂના લઈ તપાસ લેબોરેટરીમાં મોકલ્યા છે, જેમાં પ્રોટીન પાઉડર, મલાઇ પનીર, મકાઇ દાણા અને કાળીયાબીડ વિસ્તારમાં આવેલ એક ભાઈઓની હોસ્ટેલમાંથી રાંધેલા ખાદ્યપદાર્થના ર નમૂના તેમજ અન્ય એક પેઢીમાંથી ઘીનો નમૂનો લીધો હોવાનું સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું.
દંડ લઈ સંતોષ માનતુ સરકારી તંત્ર, કડક નિયમ બનાવવા જરૂરી
રાજ્ય સરકારના ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે તપાસ કરી નમૂના લેવામાં આવતા હોય છે અને આ નમૂનોઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવતા હોય છે. આ નમૂનોઓમાં ભેળસેળ જણાય તો ઉત્પાદક પેઢી અને છુટક વેપારી પેઢીને દંડ ફટકારવામાં આવતો હોય છે. વેપારીઓ પેનલ્ટી ભરી દેતા હોય છે અને સરકારી તંત્ર દંડ લઈ સંતોષ માને છે પરંતુ ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે કડક નિયમ બનાવવા જોઈએ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.