ભાજપનું વર્ષો જૂનું સૂત્ર હજુરિયા ખજુરિયા અને મજૂરિયા: નવા ઉમેદવાર માટે મજૂરિયા કાર્યકર્તાઓનો આક્રોશ: હાઈ કમાન્ડનો ઘમંડ ઉતારો

Updated: Mar 29th, 2024


Google NewsGoogle News
ભાજપનું વર્ષો જૂનું સૂત્ર હજુરિયા ખજુરિયા અને મજૂરિયા: નવા ઉમેદવાર માટે મજૂરિયા કાર્યકર્તાઓનો આક્રોશ: હાઈ કમાન્ડનો ઘમંડ ઉતારો 1 - image


વડોદરાના લોકસભા બેઠક માટે ના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટને બદલીને નવ યુવાન હેમાંગ જોષીના નામની જાહેરાત કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટી માં ફરી એકવાર હજુરીયા, ખજુરિયા અને મજૂરિયાનું સૂત્ર પ્રચલિત થયું છે અને મજૂરિયા કાર્યકર્તાઓએ આક્રોશ સાથે બીજેપી હાઈ કમાન્ડના ઘમંડથી આઝાદી મળે તેવા મેસેજ વાયરલ કર્યા છે.

ગુજરાતના રાજકારણમાં થોડા વર્ષ પૂર્વે ભાજપના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ બળવો પોકારી ભાજપ સાથે છેડો ફાડી દઈ મુખ્યમંત્રી પદ મેળવ્યું હતું તે સમયે ધારાસભ્યોને ખજૂરાહો ખાતે ખાસ પ્લેનમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે જે ધારાસભ્યો કેશુભાઈ સાથે રહ્યા હતા તેઓ હજુરિયા  કહેવાયા અને શંકરસિંહ સાથે ગયા તેઓ ખજુરિયા કહેવાયા હતા અને જેઓ ભાજપ સાથે જ રહ્યા અને કોઈ જૂથમાં નહોતા અને વર્ષોથી ભાજપને આગળ લાવવામાં મહેનત કરનારા કાર્યકર્તાઓ મજૂરિયા તરીકે ઓળખાયા હતા.

ભાજપમાં તે સમયે હજુરિયા ખજુરિયા અને મજૂરિયા કાર્યકર્તાઓની અલગ ઓળખ શરૂ થઈ ગઈ હતી ત્યારે હવે ફરી એકવાર વડોદરા બેઠક પર  ઉમેદવાર તરીકે સતત ત્રીજીવાર રંજનબેનના નામની જાહેરાત થતા જે રીતે મુઠ્ઠીભર તત્વો એ  ઉમેદવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પ્રચાર શરૂ કર્યો હતો જેમાં પાંચ વિધાનસભા બેઠકના સંમેલન થયા તેમાં કાર્યકર્તાઓનો કોઈ વિરોધ ન હતો તેમ છતાં પાર્ટી હાઈ કમાન્ડે રંજનબેનના નામનો છેદ ઉડાડી નવા ઉમેદવાર તરીકે હેમાંગ જોશીના નામની જાહેરાત થતા ભાજપમાં ભાંજગડ વધી ગઈ છે. હવે તેનો વિરોધ પણ શરૂ થયો છે ત્યારે સોશિયલ મીડિયા પર મજૂરિયા કાર્યકર્તાઓના નામે મેસેજ વાયરલ થયો છે જેમાં ભાજપ હાઇકમાન્ડને એટલો ગર્વ છે કે તેમને લાગે છે કે મોદીના કારણે વડોદરાના લોકો કોઈને પણ વોટ આપી દીધા છે આ કામગીરી માટે ભાજપ પાસે આરએસએસ એબીવીપી અને ભાજપના 50,000 થી વધુ સક્રિય કાર્યકરો વર્ષોથી કામ કરતા રહ્યા છે અને ઉમેદવારને જીતાડવા સખત મહેનત કરી છે પાર્ટી હાઈ કમાન્ડ માને છે કે ભાજપના કાર્યકર્તાઓ બધા મજુર છે તેઓ કોઈપણ ઉમેદવાર પસંદ કરશે અને તેના માટે મજૂરી કરશે ત્યારે નવા ઉમેદવાર જે નક્કી થયા છે તે વડોદરાના નથી અહીં માત્ર ભણવા માટે આવ્યા હતા અને ભાજપ માં માત્ર ત્રણ વર્ષથી સક્રિય બન્યા છે અને વરિષ્ઠ આગેવાનો અને બીજેપીના વફાદાર વરિષ્ઠ કાર્યકર્તાઓને ટાળીને તેમને આટલું મોટું પદ આપવામાં આવ્યું છે ત્યારે ભાજપ હાઈ કમાંડના ઘમંડને હરાવીએ અને આરએસએસ ભાજપના સમર્પિત કાર્યકરોની કિંમતનો અહેસાસ કરાવીએ.

સોશિયલ મીડિયા પર મજૂરિયા કાર્યકર્તાઓનો આક્રોશ હવે ધીરે ધીરે વધી રહ્યો છે તે જોતા આગામી દિવસમાં ફરી એકવાર હાઈ કમાન્ડ અને પ્રદેશ પ્રમુખ ડેમેજ કંટ્રોલ કરવા પ્રયત્ન કરશે કે પછી ઉમેદવાર બદલવાની પ્રક્રિયા કરવી પડશે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.


Google NewsGoogle News