ગાંધીનગરમાં મોટી દુર્ઘટના: ગણેશ વિસર્જન સમયે 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 8ના મોત
Ganesh Visarjan : ગાંધીનગરથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. ગણેશ વિસર્જન સમયે વાસણા સોગઠી ગામ નજીક 10 લોકો મેશ્વો નદીમાં ડૂબી જતાં સમગ્ર માહોલ ગમગીન બની ગયો છે. પ્રાથમિક માહિતી અનુસાર 8 મૃતદેહો પણ મળી આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. જ્યારે હજુ અન્ય લાપતા વ્યક્તિઓની શોઘખોળ ચાલી રહી છે.
આ પણ વાંચો : પાટણની સરસ્વતી નદીમાં બાળકને બચાવવા પરિવારના છ લોકો કૂદ્યા, ચારના મોત, ગણેશ વિસર્જન વખતે સર્જાયેલી દુર્ઘટના
નીચે મુજબના મૃતકોના નામ જાહેર થયા
1. સોલંકી વિજયજી હાલુસિંહ (30 વર્ષ) વાધાવત, તા- કપડવંજ. જિલ્લો- ખેડા
2. ચૌહાણ ચિરાગકુમાર પ્રકાશસિંહ (19 વર્ષ) વાસણા, સોગઠી
3. ચૌહાણ ધર્મેન્દ્રસિંહ દલપતસિંહ (18 વર્ષ) વાસણા, સોગઠી
4. ચૌહાણ મુન્નાભાઈ દિલિપસિંહ (23 વર્ષ) વાસણા, સોગઠી
5. ચૌહાણ રાજુકુમાર બચુસિંહ (28 વર્ષ) વાસણા, સોગઠી
6. ચૌહાણ પૃથ્વી દલપતસિંહ (20 વર્ષ) વાસણા, સોગઠી
7. ચૌહાણ યુવરાજસિંહ પ્રવિણસિંહ (17 વર્ષ) વાસણા, સોગઠી
8. ચૌહાણ સિદ્ધરાજ ભલસિંહ (17 વર્ષ) વાસણા, સોગઠી
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ યુવાનો વાસણા-સોગઠી ગામના મોટાવાસના રહેવાસી છે. જેમાંથી 4-5 યુવાનો કાકા-બાપાના દીકરા છે જ્યારે અન્ય યુવાનો મિત્ર છે. આ અરેરાટીભરી ઘટનાથી ગામમાં ગમગીનીભર્યું વાતાવરણ સજાર્યું છે. પોલીસ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બહીયલના તરવૈયાઓની મદદ લેવામાં આવી
મળતી માહિતી મુજબ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને હાજર લોકો દ્વારા બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે બહીયલના 14 તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના 6 કર્મીઓ પણ ઘટનાસ્થળે પહોંચી બચાવ અને શોધખોળ અભિયાન શરુ કરી દીધું છે.
તંત્રમાં મચી દોડધામ
ફાયરબ્રિગેડ, મામલતદાર, ટીડીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓએ આ યુવાઓને બચાવવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા પણ મોટાભાગના યુવાનો ડૂબી જવાથી મૃત્યુ પામી ગયા હતા. જ્યારે હજુ સુધી 2ની શોધખોળ તો ચાલી જ રહી છે.