સોમનાથમાં મેગા ડિમોલિશન, 135 લોકોની અટકાયત, ચાર લોકોના ભેગા થવા પર પ્રતિબંધ
Demolition in Gir Somnath: ગુજરાતમાં ગેરકાયદે બાંધકામો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા શુક્રવાર (27મી સપ્ટેમ્બર)ની રાતથી 36 જેટલા બુલડોઝરોએ આ ગેરકાયદે બનેલા અલગ અલગ 9 વિસ્તારોમાં દબાણ હટાવાયા છે. કાટમાળ હટાવવા માટે ડમ્પર અને ટ્રેક્ટર-ટ્રોલીઓ ઉપયોગમાં લેવાઈ છે. આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે.
4 વ્યક્તિના એકઠાં થવા પર પ્રતિબંધ
સોમનાથના હાજી મંગરોલીશા પીર, હઝરત માઇપુરી, સિપે સાલાર, મસ્તાનશા બાપુ, જાફર મુઝાફર અને ઇદગાહ ડિમોલિશન કામગીરી કરવામાં આવી છે. આ ડિમોલિશનની કામગીરી વચ્ચે જિલ્લા કલેક્ટર દ્વારા સોમનાથ જિલ્લાના વેરાવળ અને પ્રભાસપાટણ શહેરી વિસ્તારમાં 28મીથી 30મી સપ્ટેમ્બર સુધી ચાર કે તેનાથી વધારે વ્યક્તિઓના એકઠાં થવા પર પ્રતિબંધ મુક્યો છે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 તથા આઈ.ટી. એકટની કલમ-66(એ) મુજબ શિક્ષાને પાત્ર થશે.
સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો થયા છે, જેને દૂર કરવા વહીવટી તંત્રની ટીમ આવી પહોંચી છે. હાલમાં મોડી રાતથી કાર્યવાહી ચાલી રહી છે, જો કે થોડા સમય માટે કાર્યવાહી પણ બંધ કરવામાં આવી હતી.
લોકોએ હોબાળો મચાવ્યો હતો
સોમનાથમાં તંત્રની મોટી બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે. આ પહેલા અહીં મહિનાઓ સુધી સર્વે ચાલ્યો હતો. આ સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિર પાછળ આવેલી સરકારી જમીન પર દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં અહીં ઘણાં નવા કામો કરવામાં આવ્યા છે અને આ કાર્યવાહી બાદ સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણ કાર્યને વધુ વેગ મળવાની ધારણા છે. મોડી રાત્રે દબાણ દૂર કરાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. જો કે, કાર્યવાહી થતાં જ સ્થાનિક લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. લોકોએ કાર્યવાહીને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે 135 લોકોની અટકાયત કરીને દબાણ દૂર કાર્યવાહી ફરી શરુ કરી હતી.
મોટી સંખ્યામાં પોલીસ દળ તહેનાત
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થળ પર 1400 પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આ કાર્યવાહી હજુ થોડો સમય ચાલુ રહેશે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે.