કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરબદલ: ગુજરાતના બે દિગ્ગજ નેતાઓની બાદબાકી
Mallikarjun Kharge: કોંગ્રેસ દ્વારા શુક્રવારે પોતાના રાષ્ટ્રીય સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં બે નવા મહાસચિવો અને નવ રાજ્ય પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. પાર્ટીએ મહાસચિવ તરીકે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલ અને રાજ્યસભાના સભ્ય નાસિર હુસૈનની નિમણૂંક કરવામાં આવી છે. આ સિવાય વિવિધ રાજ્યોના પ્રભારી તરીકે રજની પાટીલ, બી. કે. હરિપ્રસાદ, મીનાક્ષી નટરાજન સહિત નવ નેતાઓને નિયુક્ત કરાયા છે.
આ નેતાઓને સેવા નિવૃત્ત કરાયા
આ સિવાય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ રાજીવ શુક્લા, મોહન પ્રકાશ, દેવેન્દ્ર યાદવ, અજય કુમાર, દીપક બાબરિયા અને ભરતસિંહ સોલંકીને પ્રભારી પદેથી મુક્ત કરી સેવા નિવૃત્ત કર્યાં છે. જો કે, તેમને ફક્ત જવાબદારીમાંથી મુક્ત કર્યા છે પણ તેઓ પક્ષમાં સેવા આપતા રહેશે. નોંધનીય છે કે, રાજીવ શુક્લા હિમાચલ પ્રદેશના પ્રભારી, મોહન પ્રકાશ બિહારના પ્રભારી, દેવેન્દ્ર યાદવ પંજાબના પ્રભારી, અજય કુમાર ઓડિશાના પ્રભારી, દીપક બાબરિયા હરિયાણાના પ્રભારી અને ભરતસિંહ સોલંકી જમ્મુ-કાશ્મીરના પ્રભારી હતા.
આ પણ વાંચોઃ વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 70933 મતદારો મતદાન કરશે
દેવેન્દ્ર યાદવ હાલમાં દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ છે. આ સિવાય હરિયાણામાં કોંગ્રેસની હાર બાદ દીપક બાબરિયાએ પણ પદ છોડવાની રજૂઆત કરી હતી. નાસિર હુસૈનને કોંગ્રેસ અધ્યક્ષ પદની જવાબદારીમાંથી મુક્ત કરી જમ્મુ-કાશ્મીરનો હવાલો સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ભરૂચના આમોદના યુવાનનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત, વીડિયો વાઈરલ
પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ લેવાયો નિર્ણય
કોંગ્રેસમાં આ મોટા ફેરફાર બાદ હવે ઑલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મહાસચિવોની કુલ સંખ્યા 12થી વધીને 13 થઈ ગઈ છે. કોંગ્રેસનું કહેવું છે કે, પક્ષના અન્ય તમામ મહાસચિવો અને રાજ્ય પ્રભારી સેવા આપતા રહેશે. નોંધનીય છે કે, અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.