ખંભાતના દરિયાની ગતિવિધિમાં મોટો ફેરફાર, 40 વર્ષ બાદ શહેર તરફ ધસેલા સમુદ્રથી 14 ગામમાં જમીન ધોવાણનો ખતરો
Khambhat Sea: આણંદ જિલ્લામાં ખંભાતના દરિયાની ભરતીમાં ફેરફાર જોવા મળ્યો. દરિયામાં ભરતીના પ્રવાહની ગતિ વધી છે અને કિનારા તરફની માટીની મોટી ભેખડો દરિયાના પાણીમાં તૂટી રહી છે. જેને લઈને ખંભાત પાલિકાએ દરિયા કિનારે નહીં જવા સૂચના આપી છે. સાથે જ દરિયા કિનારે બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે અને તટ રક્ષક દળના જવાનોને પણ તહેનાત કરવામાં આવ્યા.
દરિયાના પાણીના કારણે ભેખડોનું ધોવાણ થઈ રહ્યું છે
મળતી માહિતી અનુસાર, ખંભાત નજીક આવેલા દરિયાના પાણી ભરતી-ઓટની પ્રકિયાના કારણે સમયાંતરે દરિયાના પાણી રહેણાંક વિસ્તાર તરફ ધપી આવતા હોવાનું જોવા મળે છે. ખંભાત શહેર સહિત 14 ગામોમાં દરિયાના પાણી વર્ષો બાદ પરત ફર્યા છે. ત્યારે રાધારી વિસ્તારમાંથી દરિયો અગાઉ 6થી 7 કિ.મી. દૂર હતો. જેથી દરિયાના પાણી જોવા માટે ત્યાં સુધી જવું પડતું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી દરિયાના પાણી રાધારી વિસ્તાર નજીક આવી પહોંચ્યાનું જોવા મળી રહ્યું છે. રાધારી વિસ્તારમાં માટીની ભેખડોમાં ભરાતા દરિયાના પાણીના કારણે ભેખડો પાણીમાં ધસી રહી છે. દરિયાના પાણીના કારણે ભેખડોનું ધોવાણ થઈ રહ્યું છે.
આ પણ વાંચો: આણંદની મોડલ-ઈન્ફ્લુએન્સરની કેનાલમાંથી મળી લાશ, ભાજપ નેતાની પત્નીના મોતનું રહસ્ય અકબંધ
અહેવાલો અનુસાર, ગુજરાતના દરિયાકાંઠે વધતા દરિયાઈ સપાટીના તાપમાનને ધોવાણને વેગ આપવાના મુખ્ય પરિબળ તરીકે જોડવામાં આવ્યું છે. વર્ષ 1860 અને 2020ના ડેટાએ કચ્છના અખાત, ખંભાતના અખાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ધીમે ધીમે દરિયાઈ સપાટીના તાપમાનમાં વધારો દર્શાવ્યો હતો, જેમાં ખંભાતના અખાતમાં 1.5 ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો.