જુનિયર ક્લાર્ક પેપર લીક મુદ્દે વડોદરામાં મોટી કાર્યવાહી : 10 લોકોને ATS ઉઠાવી ગઈ
ગુજરાત ATSની ટીમે શકમંદો લઈને અમદાવાદ રવાના થઈ હતી
અમદાવાદ, 29 જાન્યુઆરી 2023, રવિવાર
આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર ફૂટવાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. આ પરીક્ષાનું પેપર ફૂટવાની બાતમી ગુજરાત ATSને મળી ગઈ હતી. આ માહિતીના આધારે તેઓ તપાસ કરવા માટે મોડી રાત્રે જ વડોદરા રવાના થઈ ગયા હતા. વડોદરા પહોંચતા જ ગુજરાત ATSની ટીમે વડોદરા એસ.ઓ.જીનો સંપર્ક કરીને એક કોમ્પલેક્ષમાં પહોંચી ગયા હતા જ્યા પેપર આવવાની માહિતી મળી હતી. આ દરમિયાન ગુજરાત એટીએસ દ્વારા કેટલાક શકમંદોને ઝડપી પાડ્યા હતા અને ત્યાથી તેઓને અમદાવાદ લાવવામાં આવ્યા હતા.
ગુજરાત ATSએ વડોદરામાં કરી મોટી કાર્યવાહી
જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે પેપર ફૂટવાને કારણે રદ્દ કરવામાં આવી હતી. ગુજરાત ATSને આ પેપર લીક કાંડ અંગેની માહિતી મોડી રાતે જ મળી ગઈ હતી. આ માહિતીના આધારે ATSએ તેના તાર જોડવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ તપાસ દરમિયાન વડોદરામાં અટલાદરા વિસ્તારમાં આવેલા પ્રમુખરાજ કોમ્પલેક્ષમાં ચાલતા કોચિંગ ક્લાસમાં આ પેપર આવવાની માહિતી મળી હતી. આ માટે એટીએસની ટીમ મોડી રાત્રે જ વડોદરા પહોંચી ગઈ હતી. એટીએસની ટીમે વડોદરા એસ.ઓ.જી પોલીસનો સંપર્ક કરીને વહેલી સવારે પ્રમુખ રાજ કોમ્પલેક્ષમાં ચાલતા આ ક્લાસ પર તપાસ કરવા પહોંચી ગઈ હતી. પોલીસ જ્યારે પહોંચી ત્યારે ક્લાસના સંચાલક પેપર આવવાની અને તેના સોલ્યુશનની તૈયારી કરીને બેઠા હતા પરંતુ અચાનક જ ત્યાં પોલીસને જોતા જ તેઓના હોશ ઉડી ગયા હતા. જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પ્રશ્નપત્ર ક્લાસ પર પહોંચે તે પહેલા જ પોલીસે કોચિંગ ક્લાસમાંથી 10 લોકોને ઝડપી પાડ્યા હતા બાદમાં આ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. ગુજરાત એટીએસની ટીમ આ તમામ 10 શકમંદો લઈને અમદાવાદ રવાના થઈ ગઈ હતી.
કોચિંગ ક્લાસને સીલ કરી દેવામાં આવ્યો
ગુજરાત એટીએસને બાતમીને આધારે વડોદરામાં કોચિંગ ક્લાસમાં અચાનક પહોંચીને ત્યાથી 10 જેટલા શકમંદોને દબોચી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે આ કોચિંગ ક્લાસને સીલ કરી દીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ કોચિંગ ક્લાસમાં 25થી 30 કોમ્પ્યુટર તથા અન્ય સામગ્રી હતી. આ ક્લાસની બહાર પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર આ પેપર હૈદરાબાદથી પશ્ચિમ બંગાળના એક શખ્સ પાસે પહોંચી ગયું હતું અને પશ્ચિમ બંગાળનો શખ્સ આ પેપરને વડોદરા કુરિયર મારફતે કોચિંગ ક્લાસ પર મોકલવાનો હતો.