જામનગરમાં એરફોર્સના હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ, મોટી દુર્ઘટના ટળી
Airforce helicopter Emergency landing : જામનગરમાં મોટી દુર્ઘટના ટળી છે. એરફોર્સના હેલિકોપ્ટરમાં અચાનક ખામી સર્જાતા ચંગા ગામ પાસે રંગમતિ ડેમમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જોકે સદનસીબે કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ નથી. હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગ બાદ એરફોર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ખામી દૂર કરીને હેલિકોપ્ટરને એરફોર્સ સ્ટેશને પરત લઈ જવાયું હતું.જોકે સમગ્ર ઘટનામાં કોઈ અકસ્માત કે જાનહાનિના અહેવાલો મળ્યા નથી. સમગ્ર મામલામાં એરફોર્સની ટીમ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.
અગાઉ એરફોર્સનું ફાઈટર પ્લેન થયું હતું ક્રેશ
ઉલ્લેખનીય છે 2 એપ્રિલના રોજ જામનગર તાલુકાના સુવરડા ગામના સીમ વિસ્તારમાં રાત્રિના દસેક વાગ્યાના અરસામાં વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું અને આગના ગોળામાં ફેરવાયું હતું. જે સળગતું પ્લેન સુવરડા ગામનાં સીમ વિસ્તારમાં પડયું હતું, જેથી સૂકા ઘાસના જથ્થામાં સળગતા પ્લેનનો કાટમાળ પડવાના કારણે આગ લાગી હતી, જેના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેના પગલે એરફોર્સના અધિકારીઓ તેમજ જામનગર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા.
2 એપ્રિલે એક પાયલટનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું
પ્લેન ક્રેશ થતાં પ્લેના ટૂકડા થઈ ગયા હતા અને દુર્ઘટનાને પગલે દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. એકાએક જ પ્રચંડ ધડાકા સાથે ક્રેશ થઈને અગનગોળામાં ફેરાવાઈ ગયેલા ફાઈટર પ્લેનમાંથી પેરાશૂટની મદદથી નીકળી જવાનો પણ બન્ને પાઈલટને સમય મળ્યો નહોતો. પરિણામે એક પાયલટનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા પાયલટને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.